BREAKING NEWS

રાજકોટમાં દિવાળીની રાત્રે હવા ઝેરી બની, AQI 500ને પાર, ખુલ્લી હવામાં પણ શ્વાસ રૂંધાય તેટલું પ્રદૂષણ, જાણો તમારા વિસ્તારમાં કેટલો AQI રહ્યો

  • October 21, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ક્યારેય ન ફૂટ્યા હોય તેટલા ફટાકડા ફૂટતા અભૂતપૂર્વ આતશબાજીને કારણે શ્વાસ રૂંધાઇ જાય તેટલી હદે પ્રદૂષણ પ્રસર્યું હતું અને ધુમાડાના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી.દરમિયાન રાજકોટ મહાપાલિકા દ્વારા આઇવે પ્રોજેક્ટ હેઠળ મુકાયેલા સીસી ટીવી કેમેરામાં હવામાન અને પ્રદૂષણની નોંધ પણ થાય તેવો સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરાયેલો છે તે સોફ્ટવેરમાં થયેલી નોંધ મુજબ રાજકોટ શહેરમાં ગઇકાલે દિવાળીની રાત્રે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ને પાર પહોંચ્યો હતો જે ભયજનક છે, સામાન્ય રીતે આ ઇન્ડેક્સ શહેરી વિસ્તારમાં ૧૦૦ સુધી રહે તો મધ્યમ અને ૧૦૦ની નીચે રહે તો તે આદર્શ સ્થિતિ માનવામાં આવે છે.


પી.એમ. ૧૦નું પ્રમાણ તો અમુક વિસ્તારોમાં ૭૨૦ સુધી પહોંચ્યું

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનના મુખ્ય ૨૦ વિસ્તારોના કેમેરામાં નોંધાયેલા પ્રદૂષણમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપરાંત હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માપવામાં આવ્યું હતું જે પણ સરેરાશ ૧૦૦૦થી ઉપર નોંધાયું હતું જે પણ ભયજનક છે. આ ઉપરાંત પીએમ ( શુધ્ધ હવાને પ્રદૂષિત કરતા પાર્ટિકલ્સ, પર્ટીક્યુલર મેટર )નું પ્રમાણ જેમાં પીએમ ૨.૫ અને પી.એમ.૧૦ તેમ બે કલાસિફાઇડ કેટેગરી હોય છે. પીએમ ૨.૫ શૂન્યથી ૫૦ સુધી અને પી.એમ.૧૦ શૂન્યથી ૧૦૦ સુધી હોય તો તે વ્યાજબી પ્રમાણ મનાય છે પરંતુ ગઇકાલે દિવાળીની રાત્રે પી.એમ. ૨.૫નું પ્રમાણ ૫૨૬ સુધી પહોંચ્યું હતું અને પી.એમ.૧૦નું પ્રમાણ તો અમુક વિસ્તારોમાં ૭૨૦ સુધી પહોંચ્યું હતું.


રાજકોટવાસીઓએ જીવનમાં ક્યારેય ન અનુભવ્યું હોય તેવું ભયંકર પ્રદૂષણ ગઇકાલે તા.૨૦-૧૦-૨૦૨૫ની દિવાળીની રાત્રે પ્રથમ વખત અનુભવ્યું હતું. રાજકોટ શહેરમાં નોંધાયેલા પ્રદૂષણના ઉપરોક્ત વિવિધ આંક રાત્રે ૧૨ કલાકે નોંધાયેલા છે. સમગ્ર વર્ષ દરમિયાન શહેરમાં ક્યારેય આટલું પ્રદૂષણ નોંધાયું નથી, એકંદરે દિવાળી નો દિવસ રાજકોટ શહેરનો સમગ્ર વર્ષનો સૌથી પ્રદૂષિત દિવસ રહ્યાનું નોંધાયું છે.


ક્યા વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો?

૧. નાના મવા સર્કલ- ૫૦૦

૨. જામ ટાવર ચોક- ૫૦૦

૩. કોર્પોરેશન ચોક- ૪૭૨

૪. રામદેવપીર ચોકડી- ૪૩૬

૫. સોરઠિયાવાડી ચોક- ૪૬૭

૬. પારેવડી ચોક- ૩૫

૭. ઇસ્ટ ઝોન ઓફિસ- ૧૧૦

૮. રેસકોર્સ- ૧૧૦

૯. કોઠારિયા- ૮૯

૧૦. મહિલા કોલેજ ચોક- ૮૯

૧૧. આજી ડેમ ચોકડી- ૬૭

૧૨. જડુસ ચોક- ૧૧૬

૧૩. મોરબી રોડ- ૯૬

૧૪. ગ્રીન લેન્ડ ચોક- ૧૦૮

૧૫. દેવપરા- ૧૧૫

૧૬. જિલ્લા પંચાયત ચોક- ૯૫

૧૭. અટીકા- ૩૦

૧૮. જંક્શન રેલવે સ્ટેશન- ૧૦૩

૧૯. ત્રિકોણ બાગ- ૧૦૨

૨૦. પ્રદ્યુમન પાર્ક ઝૂ- ૭૮



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application