એપલ આજે 9 સપ્ટેમ્બરે યોજાનારી પોતાની વાર્ષિક લોન્ચ ઇવેન્ટમાં પહેલીવાર સ્ટાન્ડર્ડ આઈફોન મોડલને બાદ રાખે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, કંપની ઇવેન્ટમાં માત્ર પ્રીમિયમ આઈફોન 18 પ્રો, આઈફોન 18 પ્રો મેક્સ અને પોતાના પ્રથમ ફોલ્ડેબલ આઈફોન રજૂ કરી શકે છે. ભારતીય સમય અનુસાર ઇવેન્ટ રાત્રે 10:30 વાગ્યે શરૂ થવાની છે.
એપલના પ્રથમ ફોલ્ડેબલ આઈફોન માં 5.5 ઇંચની કવર ડિસ્પ્લે અને અંદર 7.6થી 7.8 ઇંચની ફોલ્ડેબલ સ્ક્રીન મળવાની શક્યતા છે. અનફોલ્ડ થયા બાદ તેનો અનુભવ આઈપેડ મીની જેવો થઈ શકે છે. ડિવાઇસની જાડાઈ આશરે 4.5એમએમ અને બેટરી ક્ષમતા 5,000એમએએચ અથવા તેનાથી વધુ હોવાની અટકળ છે.
ફોલ્ડેબલ ડિઝાઇનને કારણે ફેસ આઈડીના બદલે ટચ આઈડી આપવામાં આવી શકે છે. બંને સ્ક્રીન પર પંચ-હોલ ફ્રન્ટ કેમેરા અને પાછળ ડ્યુઅલ કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં નવી A20 ચિપ હોવાની અને બે કલર વિકલ્પ મળવાની ચર્ચા છે. તેની કિંમત 2,000 ડોલરથી 2,500 ડોલર એટલે કે અંદાજે રૂ.1.7થી રૂ.2.1 લાખના સ્તરે હોઈ શકે છે; જોકે ભારતીય કિંમત અલગ હોઈ શકે છે.
આઈફોન 18 પ્રો સિરીઝમાં આઈફોન 17 પ્રો જેવી એલ્યુમિનિયમ બોડી અને ગ્લાસ બેક ચાલુ રહી શકે છે. મુખ્ય કેમેરા 48 મેગા પીક્સલનો રહેવાની શક્યતા છે.
ફોનમાં 2 એનએમ પ્રોસેસર અને નવું સી-2 મોડેમ મળવાની અટકળ છે. મોટી બેટરીને કારણે ડિવાઇસ થોડું જાડું થઈ શકે છે. સૌથી મહત્વપૂર્ણ અપગ્રેડ તરીકે મુખ્ય કેમેરામાં વેરિએબલ અપર્ચર મળી શકે છે, જે લો-લાઇટ ફોટોગ્રાફી અને ડેપ્થ કંટ્રોલમાં મદદ કરશે. લાઇટ બ્લુ અને ચેરી જેવા નવા રંગો પણ આવી શકે છે.
ઇવેન્ટમાં એપલ વોચ સીરીઝ 12 અને વોચ અલ્ટ્રા 4 સાથે નવા એરપોડસ રજૂ થવાની અપેક્ષા છે. નવી વોચમાં વધુ પાવર-એફિશિયન્ટ ચિપ, સુધારેલું સ્લીપ ટ્રેકિંગ, હેલ્થ એલર્ટ્સ અને વધુ બ્રાઇટ ડિસ્પ્લે મળી શકે છે. અલ્ટ્રા 4માં ટાઇટેનિયમ બોડી, મોટી બેટરી અને સેટેલાઇટ કનેક્ટિવિટી જેવા ફીચર્સ પર ભાર રહેવાની શક્યતા છે.
સૌથી મોટો ફેરફાર એ છે કે સ્ટાન્ડર્ડ આઈફોન 18નું લોન્ચિંગ 2027ની શરૂઆત સુધી ટળી શકે છે. આથી બે બેઝ આઈફોન મોડલ વચ્ચે આશરે 18 મહિનાનો ગેપ સર્જાશે, જે એપલના સામાન્ય વાર્ષિક લોન્ચ ચક્ર કરતાં મોટો ફેરફાર છે.