વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોને ચલણ-૨ જનરેટ અને પેમેન્ટની મુદત ૩ ઓગસ્ટ સુધી લંબાવાઈ
વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોને ચલણ-૨ જનરેટ અને પેમેન્ટની મુદત ૩ ઓગસ્ટ સુધી લંબાવાઈ
July 29, 2026 02:46 PM
રાજ્યના પુરવઠા વિભાગે વાજબી ભાવની દુકાનોના સંચાલકોને રાહત આપતા ઓગસ્ટ-૨૦૨૬ માસ માટે ખાંડ, મીઠું, ખાદ્યતેલ, ચણા અને તુવેરદાળના નિયમિત (રેગ્યુલર) તેમજ પોર્ટેબિલિટી પરમીટ માટે જરૂરી ચલણ-૨ જનરેટ કરવા અને તેની ચુકવણી કરવાની સમયમર્યાદા તા. ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, રાજ્યભરના તમામ વાજબી ભાવના દુકાનદારો સમયમર્યાદા દરમિયાન પોતાની દુકાન માટે જરૂરી ચલણ-૨ જનરેટ કરી તેની ચુકવણી સમયસર પૂર્ણ કરે તે જરૂરી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં કોઈ વિલંબ કે મુશ્કેલી ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે. પુરવઠા વિભાગે વધુમાં જણાવ્યું છે કે પેમેન્ટ સંબંધિત કોઈપણ પ્રકારની તકનીકી અથવા અન્ય સમસ્યાનું સમયસર નિરાકરણ લાવી શકાય તે માટે દુકાનદારો અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી તકે ચલણ જનરેટ કરી નાણાં જમા કરાવે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અનાવશ્યક મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે તમામ સંબંધિતોએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે. વિભાગે જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓને પણ આ અંગે જરૂરી દેખરેખ રાખવા સૂચના આપી છે, જેથી તમામ વાજબી ભાવના દુકાનદારોની પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે. પુરવઠા વિભાગના આ નિર્ણયથી રાજ્યભરના દુકાનદારોને વધારાનો સમય મળતા જરૂરી કાર્યવાહી સરળતાથી પૂર્ણ કરી શકાશે અને લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સતત સુવ્યવસ્થા જળવાઈ રહેશે.