વાંકાનેરના સરતાનપર રોડ પર માટેલટ્રિચ વિટ્રીફાઈડ કંપનીમાં ચાલુ ટ્રક રીપેર કરતી વખતે બ્રેક ખસી જતા ટ્રકનું વ્હીલ ડ્રાઈવર ઉપર ફરી વળતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીનો દિલીપ કુલુરામ ઓડ (ઉ.વ.19)નો યુવક ગઈકાલે ક્લીનર સાથે વાંકાનેર સરતાનપર રોડ પર આવેલી માટેલટ્રિચ વિટ્રીફાઈડ કંપનીમાં ગઈકાલે માલ ભરવા માટે ટ્રક લઈને આવ્યો હતો દરમિયાન ટ્રક લોડ થઇ રહ્યો હતો ત્યારે ટ્રકમાં ખામી સર્જાતા ચાલુ ટ્રક રાખી નીચે ચેક કરવા માટે જતા બ્રેક ખસી જવાથી ટ્રક દોડતો થયો હતો અને તોતિંગ વ્હીલ ડ્રાઈવર પર ફરી વળતા ગંભીર ઈજાઓ થઇ હતી. યુવકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.