રાજકોટ શહેરમાં નવરાત્રી બાદ રોગચાળો વકર્યો છે, મ્યુનિ.વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ચાર, શરદી ઉધરસના ૭૦૧, સામાન્ય તાવના ૭૧૭, ઝાડા ઉલ્ટીના ૧૨૬, ટાઈફોઈડના ત્રણ અને કમળાના ચાર સહિત વિવિધ રોગચાળાના કુલ ૧૫૫૫ કેસ મળ્યા છે.
વિશેષમાં મ્યુનિ.આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, મચ્છરના ઉપદ્રવની ૭૪૬ ફરિયાદો મળતા ફરિયાદો મળી તે તમામ ઘર અને સંકુલોમાં ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. જ્યારેમચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૪૨ પ્રીમાઇસીસ જેમ બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વિગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૮૨ અને કોર્મશીયલમાં ૧૯૨ સહિત કુલ ૩૭૪ને નોટીસ ફટકારવામાં આવી હતી.