૧૮ દિવસના યુદ્ધવિરામ પછી પશ્ચિમ એશિયામાં તણાવ ફરી વધ્યો છે. યુએઈમાં ઈરાની ડ્રોન હુમલા, બહેરીનમાં રેડ એલર્ટ અને હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીએ વૈશ્વિક ચિંતાઓ વધારી છે. ઈરાની મીડિયાએ લશ્કરી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે યુએસ દળોએ ઈરાન માલ લઈ જતી બે નાગરિક બોટને નિશાન બનાવી હતી. ઈરાન કહે છે કે આ સામાન્ય કાર્ગો જહાજો હતા, આઈઆરજીસી સ્પીડબોટ નહીં, અને તેમાં સવાર પાંચ નાગરિકો માર્યા ગયા હતા.દરમિયાન, અમેરિકાએ આ દાવાઓ પર મૌન જાળવી રાખ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી વાણિજ્યિક જહાજોને ખાલી કરાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. યુએસ સૈન્યના જણાવ્યા અનુસાર, બે યુએસ ધ્વજવાળા જહાજો સફળતાપૂર્વક જળમાર્ગ પાર કરી ચૂક્યા છે. અમેરિકાએ ઈરાનના એ દાવાને પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે કે તેણે યુએસ નૌકાદળના જહાજ પર હુમલો કર્યો હતો, જેને યુએસ અધિકારીઓએ સંપૂર્ણ બનાવટી ગણાવ્યું છે.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને સુરક્ષા પૂરી પાડતા અમેરિકન જહાજો પર હુમલો કરશે, તો તેનું પૃથ્વી પરથી નામોનિશાન ભૂંસી નાખીશું. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને કથિત રીતે 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા અનેક જહાજો પર હુમલો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે યુએસ સૈન્યએ ઈરાન સાથે જોડાયેલા સાત નાના જહાજોનો નાશ કર્યો છે, આ ઘટનાએ પ્રોજેક્ટ ફ્રીડમના સંદર્ભમાં હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવ વધાર્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો હતો કે ઈરાને ઘણા જહાજો પર હુમલો કર્યો હતો - જેમાં દક્ષિણ કોરિયાના કાર્ગો જહાજનો પણ સમાવેશ થાય છે.બહેરીને આજે રાત્રે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. દરમિયાન, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ અહેવાલ આપ્યો કે એક ઈરાની ડ્રોને ફુજૈરાહમાં એક તેલ રીફાઇનરીમાં આગ લગાવી દીધી, જે હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરીને એક મહત્વપૂર્ણ પાઇપલાઇન હબ છે. થોડા સમય પછી, બ્રિટિશ સૈન્યએ પણ અમીરાતના દરિયાકાંઠે એક કાર્ગો જહાજમાં આગ લાગવાની જાણ કરી હતી. આ હુમલાઓ પછી, વૈશ્વિક તેલના ભાવમાં 6 ટકાનો જંગી વધારો થયો છે.જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ હુમલાઓમાં કોઈ પણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમેરિકા અને યુએઈએ આ દલદલમાં પાછા ફરવાનું ટાળવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રાજકીય કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી અને તે ફક્ત રાજદ્વારી દ્વારા જ ઉકેલી શકાય છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, હોર્મુઝમાં બનેલી ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે કોઈપણ રાજકીય કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કડક ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા માલનું પરિવહન કરતા યુએસ જહાજો પર હુમલો કરશે, તો તેનું નામોનિશાન ભૂંસાઈ જશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાને દક્ષિણ કોરિયાના કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો. દરમિયાન, યુએસ એમ્બેસેડર માઇક વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે અમેરિકા, બહેરીન અને ગલ્ફ સાથી દેશો સાથે મળીને, જળમાર્ગ અવરોધવા બદલ ઈરાનને જવાબદાર ઠેરવવા માટે સુરક્ષા પરિષદનો ઠરાવ તૈયાર કરી રહ્યું છે. જર્મન ચાન્સેલર મેર્ઝે પણ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા વિનંતી કરી છે.