BREAKING NEWS

પતિ-પત્ની અને પુત્રની એકસાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું, ગોંડલમાં ગોઝારા અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો

  • September 27, 2026 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર અનિડા ભાલોડી ગામ સહિત આખા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


આ કરુણ ઘટના બાદ આજે બપોર બાદ ત્રણેય દિવંગતોની અર્થી એકસાથે ઉઠી હતી, જેને જોઈને ગામના સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનાના શોકમાં અનિડા ભાલોડી ગામ સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમયાત્રામાં જોડાયા હતા. મૃતકના પરિવારજન અરવિંદભાઈ બગડાએ આક્રોશ અને વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે આ અકસ્માતના ગુનેગાર સામે સખતમાં સખત કાયદેસરની સજા કરવી જોઈએ અને પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ.

પ્રાપ્ત વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશ કરશનભાઈ બગડા (ઉંમર વર્ષ ૪૦) પોતાના એક્ટિવા (નંબર GJ 03 LS 5971) પર પત્ની શાંતુબેન અને ૧૩ વર્ષીય પુત્ર વ્રજ સાથે રામોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘોઘાવદર અને રામોદ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા નેક્સોન કાર (નંબર GJ 23 CF 0472) સાથે તેમનું એક્ટિવા ધડાકાભેર અથડાઈ ગયું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા પર સવાર ત્રણેય સભ્યો ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.


આ ગોઝારી હોનારતના કારણે હસતો-રમતો પરિવાર પળભરમાં વેરવિખેર થઈ ગયો છે. હવે પરિવારમાં માત્ર મૃતક જયેશભાઈના વૃદ્ધ પિતા અને ૧૬ વર્ષની દીકરી જ બાકી રહ્યા છે, જેના કારણે આખા પંથકમાં અરેરાટી સાથે ભારે હીબકાં ગુંજી ઉઠ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ જોડાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application