જામનગરના ધરારનગર-૧માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ મનપા દ્રારા કરવામાં આવેલા ચેકીંગમાં ૧૧ ગેરકાયદે એટલે કે ભૂતિયા નળજોડાણનો ઘટસ્ફોટ થતા કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં ભૂતિયા નળજોડાણનું ભૂત ફરી ધૂણતા કૌંભાડની આશંકા નકારી શકાતી નથી. આટલું જ નહીં આ નળ જોડાણ આપવા પાછળ કોનો દોરીસંચાર છે તે ભારે ચર્ચાની સાથે તપાસનો વિષય બન્યો છે, તો અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગત કે મીઠીનજર હેઠળ નળ જોડાણ આપવામાં આવ્યા નથી ને તે સળગતો સવાલ પણ ઉઠ્યો છે. નવાઇની વાત તો એ છે કે, શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે નળ જોડાણની ફરિયાદો છતાં મનપાની વોટર વર્કસ શાખા દ્રારા પાણી વિતરણ સમયે શા માટે ચેકીંગ કરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સમજાતું નથી અને આ બાબત શંકાના દાયરામાં આવી છે.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં એકસાથે ૨૭ જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતાં. આટલું જ નહીં અસરગ્રસ્ત દર્દીઓના લોહીના નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેમાં ૨૦ દર્દીના કોલેરાના રીપોર્ટ પોઝીટીવ આવતા હડકં૫ મચી ગયો હતો. આથી ઉંધતા ઝડપાયેલા મહાનગરપાલીકાના તંત્ર દ્રારા આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણ માટે કલોરીન ટેબલેટનું વિતરણ, પાણીના નળ જોડાણનું ચેકીંગ સહીત અન્ય તમામ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકીંગમાં ૧૧ નળજોડાણ ડ્રેનેજ એટલે કે ગટરમાંથી આપવામાં આવ્યાનો ઘટસ્ફોટ થતાં આ તમામ નળજોડાણ કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં કોલેરાના રોગચાળા બાદ કરાયેલી તપાસમાં ગેરકાયદે નળજોડાણનો ધડાકો થતાં ભૂતિયા નળજોડાણનું ભૂત ફરી ધુણતા ભારે ચકચાર સાથે અનેક સવાલ ઉઠ્યા છે. કારણ કે, પહેલાનો આ વિસ્તારમાં ભૂતિયા નળજોડાણ આસામીઓએ કેવી રીતે મેળવ્યા અને કોને આપ્યા તથા તેની પાછળ કોનો દોરીસંચાર છે તે તપાસનો વિષય બન્યો છે. તદઉપરાંત કોલેરાના રોગચાળા બાદ કરાયેલા ચેકીંગમાં આ ચોંકાવનારી હકીકતો ખૂલી છે. તો અત્યાર સુધી ચેકીંગના નામે લાલિયાવાડી ચલાવામાં આવી કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.
બીજી બાજુ શહેરના ફકત ધરારનગર નહીં અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે એટલે કે ભૂતિયા નળ જોડાણ હોવાની લોક ફરિયાદો છાશવારે ઉઠી રહી છે. ત્યારે શું મનપાની વોટર વર્કસ શાખાને ફકત નળ જોડાણ આપવામાં રસ છે, ત્યારબાદ ચેકીંગ કરવામાં કોઇ રસ નથી તેવો ઘાટ પ્રર્વતી રહ્યો છે. કારણ કે, શહેરના હજુ પણ ઘણા વિસ્તારોમાં ભૂતિયા નળ કનેકશનોની ભરમાર છે, ત્યારે આ ભૂતિયા નળજોડાણ પકડી પાડવા માટે પાણી વિતરણ સમયે વોટર વર્કસ વિભાગ દ્રારા ટીમો બનાવી શા માટે ચેકીંગ કરવામાં આવતું નથી તે સમજાતું નથી. જેના કારણે ગેરકાયદે નળજોડાણ આપનાર અને લેનારા શખ્સોને મોકળું મેદાન મળી ગયું છે. અનઅધિકૃત નળજોડાણોની ભરમારની ફરિયાદો ઉઠી છે, પરંતુ આ નળ જોડાણ આપનાર અને લેનાર સામે કોઇ ફોજદારી ફરિયાદ સહીતની દાખલારૂપ કાર્યવાહી કરવામાં ન આવતા બેફામ પાણી ચોરી થઇ રહી છે.
બીજી બાજુ શહેરના નવા ભળેલા વિસ્તારોમાં હજુ પણ ટેન્કરથી પાણી વિતરણ થઇ રહ્યું છે તે નરી વાસ્તવીકતા છે તો જૂના ઘણા વિસ્તારોમાં કે જેમાં આસામીઓએ નિયમ મુજબ નળજોડાણ લીધા હોય અને નિયમિત પાણી વેરો પણ ભરતા હોવા છતાં પૂરતા ફોર્સથી અને નકકી કરાયેલા સમય અનુસાર પાણી ન આવતું હોવાની ફરિયાદો છાશવારે ઉઠી રહી છે. આમ શહેરમાં ભૂતિયા નળજોડાણથી પાણી ચોરી કરનારને લીલાલહેર તો નિયમ મુજબ નળ જોડાણ મેળવી પાણી વેરો ભરનાર આસામીઓને પાણી વિતરણમાં ધાંધિયાનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
રૂ.૨૦૦૦થી ૨૫૦૦ માં ગેરકાયદે નળ જોડાણની ફરિયાદો, મહાનગરપાલીકાના જવાબદારો ગાંધારીની ભૂમિકામાં..?
જામનગરમાં નિયમિત નળજોડાણ મેળવવા મહાનગરપાલીકામાં રૂ.૪૫૦૦થી ૫૦૦૦ સુધીનો ચાર્જ ભરવો પડે છે. આટલું જ નહીં નળ જોડાણ મેળવ્યા બાદ પાણી વેરો પણ ચૂકવવો પડે છે. પરંતુ ભૂતિયા એટલે કે ગેરકાયદે નળજોડાણ ફકત રૂ.૨૦૦૦થી ૨૫૦૦માં આપી દેવામાં આવતું હોવાની ફરિયાદો લોકોમાં જોરશોરથી ઉઠી છે. ત્યારે આ અનઅધિકૃત નળ જોડાણ આપવા પાછળ કોનો દોરીસંચાર છે, સંબધિત શાખાના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોની સાંઠગાઠ અને મીઠીનજર તો નથી ને તે પણ ખાનગી રાહે તપાસનો વિષય બન્યો છે. કારણ કે, શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ભૂતિયા નળજોડાણ હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
શહેરમાં અનઅધિકૃત બાંધકામોમાં સ્ટેમ્પ પેપરમાં લખાણ લઇ નળ જોડાણની પ્રથા કોના લાભાર્થે બંધ..?
જામનગર શહેરમાં અનઅધિકૃત બાંધકામોના કીસ્સામાં સ્ટેમ્પ પર લખાણ લઇ નળ જોડાણ મહાનગરપાલીકા દ્રારા આપવામાં આવતું હતું. જેમાં ગેરકાયદે બાંધકામ નો સ્પષ્ટ ઉલ્લેખ કરી નળ જોડાણ આપવામાં આવતું હતું. આથી ભવિષ્યમાં મહાનગરપાલીકા કાયદેસરની કાર્યવાહી કરે ત્યારે આ નળકનેકશન બાધારૂપ કે કાયદેસરનું ગણાય નહીં. કેમ કે, ગેરકાયદે બાંધકામ દૂર કરવા અંગેની નોટીસો અન્વયે આ આસામીઓ કાનૂની લડતમાં પોતે હાઉસટેકસ ભરે છે, નળ કનેકશન ધરાવે છે તેથી પોતાની જગ્યા કાયદેસર હોવાનો દાવો કરી શકે નહીં. આ પ્રથા કોના લાભાર્થે બંધ કરવામાં આવી છે અને આ પ્રથા બંધ કરવાથી ગેરકાયદે બાંધકામ કરનારા અને પાણી ચોરી કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે.