BREAKING NEWS

કોઠારીયામાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો

  • March 03, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં આવેલ કેજીએન ચીકન શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી થયેલ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે રાજકોટમાં બરકતીનગર શેરી નં.૧૧ બાલાજી એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતાં ફૈજાન ઇસ્માઇલભાઇ અંસારી (ઉ.વ.૧૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ, ઇમરાન, મહેશ અને હરેશ નામના શખ્સનું નામ આપ્યું હતું. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે અને તેનો મોટો ભાઈ હૈદરભાઈ બંને ગુલાબનગર શેરી નં.ર કોઠારીયા સોલવન્ટ ખાતે કેજીએન ચીકન શોપ નામે નોનવેજની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે.

રાત્રીના આઠેક વાગ્યાના આસપાસ યુવક અને તેનો ભાઈ હૈદરભાઇ, મિત્ર આશીફ ત્રણેય દુકાને હતા ત્યારે ત્યા રાહુલ તથા ઇમરાન બંને આવેલ અને આ બંને મિત્ર આશીફને કહેવા લાગેલ કે, પરમ દીવસે બાઈક કેમ મોડુ પરત કરેલ એમ કહી આ બંને આશીફને ગાળો બોલવા લાગેલ જેથી યુવક અને તેનો મોટા ભાઈ આ બંનેને ગાળો ન બોલવા સમજાવતા હતા આ દરમિયાન ઇમરાન ઉશ્કેરાઈને ચાલ્યો ગયેલ હતો. થોડીવારમાં હાથમા છરી લઇને પરત આવેલ અને આશીફને છરી મારવાની ધમકી આપવા લાગેલ હતાં.

દરમિયાન ફરીયાદી અને તેના ભાઈએ આરોપી ઈમરાનને પકડી સમજાવતા હતા એટલામાં ત્યા રાહુલના બીજા બે ભાઇ મહેશ તથા હરેશ હાથમા લાકડાનો ધોકો લઈને ત્યા આવી ગયેલ અને બંને ભાઈઓને પણ ગાળો બોલવા લાગેલ હતાં. આ દરમ્યાન યુવકના પિતા પણ ત્યા આવી ગયેલ અને આ લોકોને ઝધડો ન કરવા બાબતે સમજાવતા હતા. ત્યારે હરેશ યુવકની પાસે આવેલ અને માથાના પાછળના ભાગે એક ફડાકો મારી દીધેલ તેમજ મહેશ અને રાહુલે મોટા ભાઇ હૈદરને ઘોકા વડે માર મારવા લાગેલ હતાં. જેથી યુવકના પિતા આ બંનેને મારવાની ના પાડતા હતા તે દરમ્યાન હરેશ પણ મોટા ભાઈને ધોકા વડે કાનના ઉપરના ભાગે માથામા મારી નાખવાના ઇરાદે જોરથી ધોકો મારેલ હતો. જેથી યુવકનો ભાઈ ચકકર ખાઈને પડી ગયેલ હતો.

દરમિયાન માણસો ભેગા થઇ ગયેલ જેથી આરોપી ત્યાંથી ભાગી ગયેલ હતાં. જે બાદ ઇજાગ્રસ્ત હૈદરને કાન તેમજ નાકના ભાગેથી લોહી નીકળતુ હોય જેથી તુરંત રીક્ષામા બેસાડી સારવાર અર્થે અહીં ખાનગી હોસ્પીટલ ખાતે લઇ આવેલ હતા.જ્યાં ફરજ પરના તબીબોએ માથામા ખોપરીમાં મલ્ટીપલ ફેકચરની ગંભીર ઇજા થયેલ હોવાનું જણાવ્યું હતું.

બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.બી.જાડેજા અને ટીમે ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતાં, જ્યારે રાહુલ નામનો શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યાં સારવારમાં રહેલ હૈદરભાઇનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ પોલીસે તુરંત દોડી જઇ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયો હતો અને બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

યુવકના મોતથી બે મહિનાના પુત્ર સહિત બે સંતાનોએ પિતાની છત્રાછાયા ગુમાવી

ખુની હુમલામાં ઘવાયેલા હૈદર અંસારી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનના તેની બે મહિનાની પુત્ર દોઢ વર્ષના પુત્ર પિતા વિહોણા બન્યા હતાં.હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે જ ઘરના સભ્યને ગુમાવતા પરિવારમાં માતમ છવાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application