BREAKING NEWS

7 દિવસનો અભ્યાસ અને ચોંકાવનારી પેટર્ન: મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય વધુ ઘેરું બન્યું, જાણો ભૂસ્તરશાસ્ત્રીઓનું શું કહેવું છે

  • August 09, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી જિલ્લાના વીરપરડા ગામે આવેલ એક કૂવામાં અચાનક પાણીના હિલોળા લેવાની અદ્ભુત ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં કૌતુક અને કુતુહલનો માહોલ સર્જાયો છે. આ કુદરતી અને રહસ્યમય બનાવનું રહસ્ય દિવસે ને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. કૂવામાં થતી પાણીની આ વિશિષ્ટ મૂવમેન્ટને લઈને ગ્રામજનોમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે, જ્યારે બીજી તરફ આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં પડ્યા છે.


છેલ્લા કેટલાક દિવસોથી કૂવાના પાણીની હલચલનો અભ્યાસ કરવામાં આવતાં એક અત્યંત અલગ જ પેટર્ન સામે આવી રહી છે. સામાન્ય રીતે સવારના સમયે કૂવાનું પાણી એકદમ શાંત રહે છે, પરંતુ બપોરના 1 વાગ્યા પછી તેમાં ધીમે ધીમે ચળવળ શરૂ થાય છે. બપોરના 3 વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી પાણી ખૂબ જ જોરદાર રીતે હિલોળા લેવા લાગે છે અને ત્યારબાદ સાંજના સમયે પાણી પુનઃ શાંત થઈ જાય છે. ગત 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી સળંગ આ જ પેટર્ન જોવા મળી હતી. જોકે, 7 ઓગસ્ટના રોજ આખો દિવસ પાણી સંપૂર્ણપણે શાંત રહ્યું હતું, જ્યારે તેના પછીના દિવસે એટલે કે 8 ઓગસ્ટ શનિવારે બપોર પછી ફરીથી પાણીમાં અચાનક હલચલ જોવા મળી હતી.


આ વિચિત્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. કલેક્ટરના આદેશ બાદ રાજકોટ ભૂસ્તર વિજ્ઞાન વિભાગની વિશેષ ટીમે વીરપરડા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ભૂસ્તરશાસ્ત્રી મિતુલ ઘેટીયાએ સ્થળ તપાસ બાદ જણાવ્યું હતું કે, તેઓ સવારે 8 વાગ્યે પહોંચ્યા ત્યારે કૂવામાં કોઈ જ મૂવમેન્ટ નહોતી, પરંતુ ૧૧:૩૦ વાગ્યાની આસપાસ ધીમે ધીમે પાણીમાં હલચલ શરૂ થઈ હતી.


ભૂસ્તરશાસ્ત્રીઓના એક પ્રાથમિક તારણ મુજબ, વીરપરડા ગામથી અંદાજે 15 કિલોમીટર દૂર દરિયાકિનારો આવેલો છે. તેથી શક્યતા છે કે દરિયામાં આવતી ભરતી અને ઓટની અસર જમીન અંદરના વોટર ટેબલ દ્વારા આ કૂવાના પાણીમાં પણ પ્રતિબિંબિત થઈ રહી હોય. જોકે, આ ઘટના પાછળ ભૂગર્ભજળના દબાણ કે અન્ય કોઈ ભૂસ્તરીય કારણો જવાબદાર છે કે કેમ, તે અંગે વધુ વૈજ્ઞાનિક પૃથક્કરણ અને ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ જ આખરી વિગતો સ્પષ્ટ થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application