શહેરના રૈયારોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા યુવાને પાડોશીને નડતરરૂપ ઝાડ કાપી નાખવા માટે કહેતા પાડોશી શખસે ઉશ્કેરાય તલવાર લઈને મારવા દોડયો હતો. આ અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર ઝાકીર હુસેન સરકારી શાળાની આગળ સ્લમ કવાર્ટરમાં રહેતા અને લાદીકામ કરનાર રામભાઈ ભાણજીભાઈ વાછકીયા (ઉ.વ 30) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રવીણ વાળાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે એકાદ મહિના પહેલા તેણે પાડોશી પ્રવીણ વાળાને કહ્યું હતું કે, તમારા ઝાડવા મોટા થઈ ગયા હોય અને મારા પતરામાં અડતા હોય જેથી મારા પતરા તૂટી જશે તો આ પતરા બાજુનું ઝાડવું કાપી નાખજો તેમ કહ્યું હતું. જોકે પાડોશીએ ઝાડ કાપ્યું ન હતું. દરમિયાન ગઈકાલ રાત્રિના નવેક વાગ્યા આસપાસ યુવાન અહીં ઘર પાસે ફોનમાં વાત કરતા કરતા ચાલીને જતો હતો ત્યારે પાડોશી પ્રવીણે તેને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, મારા જાડવા તારા પતરા તોડી નાખે તોય તારે મને કહેવા આવું નહીં તેમ કહી ગાળો આપી હતી અને કહેવા લાગ્યો હતો કે, ઝાડવા કપાશે નહીં. યુવાને ગાળો આપવાની ના કહેતા ઝપાઝપી કરી હતી બાદમાં ઘરમાં જઈ તલવાર લઈ મારવા દોડી કહ્યું હતું કે, ઉભો રહે તને જાનથી મારી નાખવો છે. જેથી યુવાન દોડીને ભાગી ગયો હતો અને ત્યાંથી સીધા પોલીસ સ્ટેશન પહોંચી પાડોશી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.