BREAKING NEWS

અમેરિકા-ઇરાન યુદ્ધથી મહાપાલિકાને ફટકો; ડામરનો ટનનો ભાવ 41થી વધી રૂ.83 હજાર થયો

  • May 19, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા ઈરાન યુદ્ધના કારણે ડામરના ભાવ ખુબ વધી ગયા છે. રાજકોટ મહાપાલિકાએ મોટા ભાગ નું ડામરકામ પુરુ કર્યું છે તેમ છતાં ગત વર્ષનું જે બાકી છે તેમાં પણ તફાવત આપવો પડી શકે તેમ છે.નવી બોડી બેસે એટલે તુરંત દરખાસ્તો આવી શકે છે.ડામરનો ટન દીઠ ભાવ છેલ્લા મહિનાઓમાં રૂ.૪૧,૦૦૦ હતો જે યુધ્ધ બાદ વધીને ૮૩૦૦૦ થઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગ, સીપીડબલ્યુડી તેમજ નેશનલ હાઇવેમાં પ્રાઈઝ એડજેસ્ટમેન્ટના પરિપત્ર થવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બિટુમિનના ભાવવધારા મુદ્દે રાજ્ય સરકારએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં વધતા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિટુમિનના વધેલા ભાવને કારણે રોડ કામોમાં થતી વધારાની ખર્ચ ભરપાઈ માટે ખાસ રાહત જાહેર કરવામાં આવી છે.


રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ શોર્ટ ટર્મ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આઇટમ રેટ તથા ઇપીસી પ્રકારના એવા કામો માટે, જેમાં ભાવવધારા અંગેની જોગવાઈ ઉપલબ્ધ નથી અને કરારનો સમયગાળો ૧૮ મહિનાથી ઓછો છે, તેમાં બિટુમિનના ભાવમાં થયેલા અસામાન્ય વધારા બદલ કોન્ટ્રાક્ટરોને ભાવ સમાયોજન (પ્રાઈસ એડજસ્ટમેન્ટ) ચૂકવવામાં આવશે.


સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન પૂર્ણ થયેલા કામો માટે લાગુ પડશે. બિટુમિનના વાસ્તવિક વપરાશ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઈનરીના દરના આધારે ભાવ સમાયોજનની ગણતરી કરવામાં આવશે. પરિપત્રમાં જણાવાયું છે કે બિટુમિન સિવાય અન્ય સામગ્રી માટે કોઈ ભાવવધારો માન્ય ગણાશે નહીં. ઉપરાંત ઇપીસી, એચ.એ.એમ, આઇટમ રેઇટ અને પી.બી.એમ.સી. પ્રકારના એવા કામો, જેમાં પહેલેથી જ ભાવ સમાયોજનની જોગવાઈ છે, તેમાં અગાઉ જાહેર કરાયેલા નિયમો અમલમાં રહેશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી માર્ગ નિર્માણ અને જાળવણીના કામોમાં ગતિ જળવાઈ રહેશે તેમજ કોન્ટ્રાક્ટરોને આર્થિક રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application