BREAKING NEWS

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક બનશે: કાલથી નંબર અને કોડ સિસ્ટમ લાગુ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

  • October 02, 2026 06:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ હોસ્પિટલ પરિસરના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.


આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બને તે માટે નંબર, કોડ સિસ્ટમ અને સ્ક્રીનિંગ સાથેની વૈજ્ઞાનિક SOP બનાવી આવતીકાલથી જ તેનો ચુસ્ત અમલ કરવા આદેશ અપાયો છે. તેમજ મૃતદેહો સાચવવાની વ્યવસ્થા સુધારવા માટે રૂ. ૩.૫ કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર પ્લાનિંગ આગામી ૧૫ થી ૩૦ દિવસમાં કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. 


મંત્રીએ ઉમેર્યું હતું કે, ગરીબ દર્દીઓ હોસ્પિટલમાંથી સંપૂર્ણ સાજા થઇને અને ખુશ થઈને ઘરે પાછા ફરે તે સરકારની પ્રાથમિકતા છે. હોસ્પિટલ કેમ્પસમાં પાન-માવા ખાઈને પિચકારી મારનાર કે ગંદકી કરનાર કોઈપણ વ્યક્તિ કે કર્મચારી સામે સિક્યોરિટી દ્વારા સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરાશે.


મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી તથા ટીબી અને છાતીના રોગો સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના અદ્યતન એમ.આર.આઈ. સેન્ટર અને ડાયાલિસિસ યુનિટની મુલાકાત લઈ મંત્રીએ ડાયગ્નોસ્ટિક તથા ક્રિટીકલ કેર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.


આ તકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કમલસિંહ ડોડીયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વિગતોથી મંત્રીને વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ મંત્રીએ વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને ઇમરજન્સી સેવાઓની સમીક્ષા કરી હતી. જેમાં સ્ટ્રેચરની સુવિધા, એમઆરઆઈની સુવિધા, ટીબીના દર્દીઓને અપાતી સારવાર અંગે, બાળક અને માતાના મૃત્યુદર ઘટાડવા તેમજ સિવિલ સિક્યોરિટી સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. આ તકે ડાયાલિસિસ સેન્ટર દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી ઉત્કૃષ્ટ સેવાઓની મંત્રીશ્રીએ વિશેષ સરાહના કરી હતી અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.


આ વેળાએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ, આરએમઓ ડો. હર્ષદ દૂસરા સહિત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News