BREAKING NEWS

માતા-પિતા નિષ્ઠુર બન્યા કે પાપ છુપાવવા કરતૂત કરીઃ રાજકોટમાં નવજાત બાળકીને નદી કિનારે તરછોડી, હાલત ગંભીર, NICUમાં દાખલ

  • October 02, 2026 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં માતા-પિતાની અમાનવીય કરતૂત સામે આવી છે, જ્યાં ફુલ જેવી નાની માસૂમ નવજાત બાળકીને અજાણ્યા વાલી-વારસદારો દ્વારા અવાવરું જગ્યાએ ત્યજી દેવામાં આવી હોવાની ઘટના બનતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટ નજી આવેલા વીરડા વાજડી ગામના નદી કિનારેથી આ નવજાત બાળકી લાવારીસ હાલતમાં મળી આવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈ સંવેદનહીન માતા-પિતા પોતાની નવજાત ફૂલ જેવી બાળકીને વીરડા વાજડી ગામના નદી કિનારે બિનવારસી હાલતમાં તરછોડીને ફરાર થઈ ગયા હતા. નદી કિનારેથી બાળકીના રૂદનનો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક આ અંગેની જાણ સંબંધિત પોલીસ તથા વહીવટી તંત્રને કરી હતી. જન્મની સાથે જ પોતાની રક્ષક બનવાની જવાબદારી છોડીને માસૂમ દીકરીને મોતના મુખમાં ધકેલી દેવાની આ ઘટનાથી લોકોમાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાઈ ગયું છે.


બાળકી મળી આવ્યાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યજી દેવાયેલી આ નવજાત બાળકીની નાજુક હાલતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે રાજકોટની સરકારી ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ડોક્ટરોની ટીમ દ્વારા તેની વિશેષ દેખરેખ રાખીને તેને NICU (નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.


આ અમાનવીય ઘટના અંગે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાલી-વારસદારો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે હોસ્પિટલોમાં તાજેતરમાં જન્મેલા બાળકોનો રેકોર્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે, જેથી આ નિષ્ઠુર માતા-પિતા સુધી વહેલી તકે પહોંચી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News