શહેરના કસ્તુરબા રોડ પર બોક્સ કલવર્ટ બનાવવાનું કામ ચાલુ થનાર હોય જેને લઇ રોડ રસ્તા બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરતું જાહેરનામું પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ચૌધરી હાઇસ્કુલ ચોકથી જવાહર રોડ સુધીનો રસ્તો બંધ કરવામાં આવશે.
શહેરના વોર્ડ નંબર 2 માં આવેલ કસ્તુરબા રોડ પર પ્રભુ કૃપા હોસ્પિટલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી ચૌધરી હાઇસ્કુલ ચોક કસ્તુરબા રોડથી ભાવેશ મેડિકલ જવાહર રોડ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે અંગે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કસ્તુરબા રોડ ચૌધરી હાઇસ્કૂલ ચોકથી ભાવેશ મેડિકલ(અરવિંદભાઈ મણિયાર હોલ) જવાહર રોડ સુધીનો બંને તરફનો રોડ બંધ કરી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પારેવડી ચોકથી આવતા વાહનો હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી થઇ જામટાવર રોડથી ધરમ સિનેમાથી કસ્તુરબા રોડ થઇ બહુમાળી ભવન ચોક તરફ જઈ શકશે અથવા પારેવડી ચોક તરફથી આવતા વાહનો હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ નીચે હોસ્પિટલ ચોક સિવિલ હોસ્પિટલ મેઈન ગેઇટથી ચૌધરી હાઇસ્કૂલ ચોક તરફ જઈ શકશે.
સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી ભાવેશ મેડિકલ(અરવિંદભાઈ મણિયાર હોલ)થી જ્યુબેલી ચોક, એસબીઆઈ બેંકથી લીમડા ચોક અને યાજ્ઞિક રોડ તરફ જઈ શકશે અથવા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ નીચે હોસ્પિટલ ચોક સિવિલ હોસ્પિટલ મેઈન ગેઇટથી ચૌધરી હાઈસ્કૂલ ચોકથી હરિહર ચોકથી લીમડા ચોક તરફ જઈ શકશે.
બહુમાળી ભવન ચોકથી પારેવડી ચોક અને ભાવેશ મેડિકલ તરફ જવા માંગતા વાહનો ધરમ સિનેમાથી જામટાવર રોડ, જામટાવર ચોક ઓવરબ્રિજ ઉપરથી જઈ શકશે અથવા ચૌધરી હાઈસ્કૂલ ચોકથી હોસ્પિટલ ચોકથી કોર્ટ તરફથી પારેવડી ચોક તરફ જઈ શકશે તથા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ નીચેથી ભાવેશ મેડિકલથી જઈ શકશે.