ભગવાન ગૌતમ બુદ્ધની છબી વાળી સાડીઓ અને કાપડના વેચાણને લઈને વર્ષ ૨૦૧૭માં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબીવાળા કાપડનું વેચાણ કરવું એ કોઈનો બદઈરાદો દર્શાવતું નથી, અને આ સાથે જ અદાલતે વેપારી સામેની પોલીસ ફરિયાદને રદ કરી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, ૧૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સમસ્ત યુવા આંબેડકરી સમાજના પ્રમુખ કુણાલ સોનવણે દ્વારા ટેક્ષટાઇલ માર્કેટમાં ભગવાન ગૌતમ બુદ્ધના ફોટાવાળી સાડીઓ અને કાપડનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાડીઓના નીચલા ભાગે અને પાલવ તથા બોર્ડર તરફ એટલે કે પગમાં આવતી જગ્યાએ ભગવાન બુદ્ધની છબીઓ છપાયેલી છે, જેનાથી બૌદ્ધ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને ધાર્મિક દેવતાનું અપમાન થયું છે.
આ મામલે સમાજના આગેવાનો દ્વારા ટેક્ષટાઇલ માર્કેટમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી, જ્યાં સાડીઓ પર ભગવાન બુદ્ધના ફોટા એવી જગ્યાએ પ્રિન્ટ થયેલા માલૂમ પડ્યા હતા જે પહેરતી વખતે નીચેની તરફ આવે છે. આ બાબતને લઈને બૌદ્ધ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ પોલીસે ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કુલ ચાર વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ આરોપીઓમાં વણકર ટેક્ષટાઇલ માર્કેટના ભરત હરજીભાઈ શંકર, આનંદ ટેક્ષટાઇલ માર્કેટના પ્રકાશ શેખરચંદ શાણી, સુરત ટેક્ષટાઇલ માર્કેટના રવિ સુરેશભાઈ જૈન અને રાધાકૃષ્ણા ટેક્ષટાઇલ માર્કેટના એક દુકાનદાર સામેલ હતા.
આ ચાર વેપારીઓ પૈકી વણકર ટેક્ષટાઇલ માર્કેટના વેપારી ભરત હરજીભાઈ શંકરે પોતાની સામે થયેલી આ પોલીસ ફરિયાદને રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન વેપારીના વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર સુરતના એક જાણીતા વેપારી છે જે પ્રચલિત ટ્રેન્ડ અને વ્યાપારિક ધોરણે કાપડ ખરીદીને તેનું વેચાણ કરે છે. તેમની ક્યારેય કોઈ પણ ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો કે આહત કરવાનો કોઈ દૂષિત કે ઈરાદાપૂર્વકનો આશય નહોતો. વ્યાપારિક સ્પર્ધા અને બિઝનેસ હરીફાઈના કારણે દબાણ ઊભી કરવા માટે જ આ ખોટી અને પાયાવિહોણી એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે માત્ર ધાર્મિક પ્રતીકો કે ભગવાનની છબીઓ ધરાવતા કાપડનું વેચાણ કરવા માત્રથી કોઈનો બદઈરાદો સાબિત થતો નથી. અદાલતે કાયદાકીય પાસાઓ અને તથ્યોને ધ્યાનમાં રાખીને વેપારી સામે નોંધવામાં આવેલી ફરિયાદને રદ કરવાનો હુકમ કર્યો છે, જેનાથી ટેક્ષટાઇલ વેપારીઓને મોટી રાહત મળી છે.