જામનગર મહાનગરપાલીકા દ્વારા ફલાયઓવર બ્રીજના નિર્માણ પાછળ અધધ..રૂ.૨૨૬ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફલાયઓવર નીચેના ગાળા કચરાપેટી બનતા આ કરોડોના ખર્ચનો ધુમાડો એટલે કે આંધણ થયાનો ઘાટ સર્જાયો છે. કપચી, કેરણ, વાયર, ગંદકી અને કચરાથી ખદબદતા ગાળાથી સોનાની થાળીમાં લોઢાની મેખ જોવા મળી રહી છે. તમામ કામગીરી પૂર્ણ કરવાને બદલે ઉતાવળે બ્રીજ ખુલ્લો મૂકી સસ્તી પ્રસિઘ્ધિ અને વાહવાહ મેળવી જામનગર મહાનગરપાલીકાના જવાબદારોના આંખ મીચામણાંથી શંકા સાથે અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે જો ફલાયઓવરના કરોડોના ખર્ચના ચૂકવણાની વીજીલન્સ તપાસ થાય તો અનેકના તપેલા ચડી જવાની શકયતા નકારી શકાતી નથી.
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાયઓવર ઓવરબ્રીજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધીના આ ફલાયઓવર માટે શહેરીજનોને ઘણો સમય રાહ જોવી પડી હતી. કામગીરીની મુદતમાં મનપાએ વખતોવખત વધારો કર્યા બાદ અને અનેક આશ્ર્વાસનો બાદ આખરે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે આ ફલાયઓવર તૈયાર થયો હતો. જે તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ કરોડોના ખર્ચે તૈયાર થયેલા ફલાયઓવર બ્રીજમાં મનપાની ઘોર બેદરકારીના કારણે સોનાની થાળીમાં લોઢાની મેખની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, ફલાયઓવર નીચે મોટાભાગના પીલોર પાસે ફરતી દીવાલ બનાવામાં આવી છે. પરંતુ હાલમાં પીલોર અને તેની ફરતે બનાવામાં આવેલી દીવાલની વચ્ચે જે જગ્યા છે તે કચરાપેટીઓ બની છે.
ફલાયઓવરની નીચે પીલોરની ફરતે કરવામાં આવેલી દીવાલ વચ્ચેના ગાળા કપચી, કેરણ, વાયર, ગંદકી અને કચરાથી રીતસર ખદબદી રહ્યા છે. આટલું જ નહીં તેમાં ઉતરોતર એટલે કે દીન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે, હાલમાં પુલ નીચે કોઇ કામગીરી ચાલી રહી નથી. ત્યારે પુલની કામગીરીના ખર્ચ અને બીલનું ચૂકવણું કરવામાં આવ્યું છે કે કેમ અને જો કરવામાં આવ્યું હોય તો તે વીજીલન્સ તપાસનો વિષય બન્યો છે. કારણ કે, પુલની નીચે હજુ પણ ઘણી કામગીરી બાકી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. અમુક સ્થળો પર પેવરબ્લોક પાથરવામાં આવ્યા નથી તો રોડ પર સમથળ કરાયો નથી.
અમુક જગ્યા પર પેવરબ્લોક ઉખડી ગયા છે. અમુક જગ્યા પર ખોદકામ કરાયા બાદ સમારકામ કરાયું નથી. અમુક સ્થળો પર તો છાણા થાપવા સહીતની પ્રવૃતિ કરવામાં આવી રહી છે તો ગાળામાં માલ-સામાન પણ રાખવામાં આવી રહ્યો છે. આમ છતાં અગાઉ છાશવારે પુલની કામગીરીનું નિરીક્ષણ કરનાર અને ફલાયઓવરની તમામ કામગીરી પૂર્ણ કરવાને બદલે ઉતાવળે બ્રીજ ખુલ્લો મૂકી સસ્તી પ્રસિઘ્ધિ અને વાહવાહ મેળવનાર જામનગર મહાનગરપાલીકાના જવાબદારોના આંખ મીચામણાંથી શંકા સાથે અનેક સવાલ ઉઠ્યા છે.
ગાળાની સફાઇ કરવામાં આવે તો ટનબંધ કચરો નીકળે, જવાબદારો સામે પગલાં કેમ નહીં..?
શહેરમાં ખુલ્લા મૂકાયેલા નવનિર્મિત ફલાયઓવર નીચેના ગાળા કે જે હાલ કચરાપેટીમાં ફેરવાયા છે. ત્યારે જો કચરા, ગંદકી, કેરણ, કપચી વાયર અને અન્ય વસ્તુથી ભરચકક આ ગાળાની સફાઇ કરવામાં આવે તો ટનબંધ કચરો નીકળે તેમ છે. ત્યારે આ ગાળામાં કચરો જમા કરનાર એટલે કે નાખનાર જવાબદારો સામે પગલાં કેમ નહીં તે સવાલ પણ ઉઠ્યો છે. શા માટે ગાળાની સફાઇ કરવામાં આવતી નથી તે મુદો પણ તપાસનો વિષય બન્યો છે.
ફલાયઓવરની નીચે માર્ગની બંને બાજુે ઉંડી કડના કારણે અકસ્માતનો ખતરોેે
ફલાયઓવર ઉપર કામ પૂર્ણ થતા મનપાએ ઉતાવળે આ બ્રીજ ખુલ્લો મૂકી દીધો છે. પરંતુ પુલની નીચે હજુ ઘણી કામગીરી બાકી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. પરંતુ હાલમાં કોઇ પણ પ્રકારની કામગીરી ચાલી રહી નથી. બીજી બાજુ ફલાયઓવર બ્રીજ બન્યા બાદ તાબડતોબ નીચે બંને બાજુ માર્ગ પર ડામર પાથરવામાં આવ્યો હતો. પરંતુ પુલની નીચેના ગાળામાં પેવરબ્લોક અને માર્ગની વચ્ચે જગ્યા એટલે કે ઉંડી કડ હોય તેમાં વાહનના વ્હીલ ફસાઇ જવાથી ગંભીર અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે.