વલસાડમાં નવા બની રહેલા બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતા પાંચ મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર મજૂરોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, વલસાડના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે સવારે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકો દબાયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગે ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે એક શ્રમિકની શોધખોળ ચાલુ છે.
એક રાહદારીએ જણાવ્યું કે, બ્રિજમાં સળીયા નાખવાનું કામકાજ ચાલુ છે, અનબેલેન્સ થતાં આ પડી ગયો હોવાનું દેખાય છે. મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, બે એમ્યુલન્સમાં ચાર માણસને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ક્રેન આવે ત્યારે ખબર પડે કે હજી કોઇ દબાયેલું છે કે નહીં. હું સામે જ ઉભો હતો અને એકદમ જાણે કે ભૂકંપ આવ્યો હોય એવો ધડાકાભેર અવાજ આવ્યો હતો. પિલર માટીમાં દબાઇ ગયો કે અન બેલેન્સ થયું હોય એવું લાગી આવે છે. ચાર માણસોને સારવાર માટે મોકલ્યા છે. એક માણસ તો બરાબરનો ફસાઇ ગયો હતો અમે એને ખેંચીને બહાર કાઢ્યો હતો.
પારડી-સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું કે, બ્રિજના છેલ્લા બે પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાના હતા, પરંતું કંઇક ટેકો ખસી જતા આજે ધડાકાભેર તૂટી પડ્યો હતો. ચાર લોકોને હોસ્પિટલ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એકની શોધખોળ કરી રહ્યા હોવાનું મને જાણવા મળ્યું છે.