સામાન્ય રીતે લગ્નની શરૂઆત ગણેશ સ્થાપન કે મંડપ મુહર્તથી થતી હોય છે, પરંતુ રાજકોટના કાલરીયા અને ડેડકીયા પરિવારે લગ્ન પ્રસંગની શરૂઆત એક અનોખા અંદાજમાં 'ક્રિકેટ મેચ' રમીને કરી છે. ગોંડલના સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ ૧૨ ઓવરની મેચમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ જેવા જ નિયમો, ડ્રેસ કોડ અને સ્ટેડિયમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ટીમ અને ટોસ: 'કાલરીયા નાઈટ રાઈડર્સ' વિરૂદ્ધ 'ડેડકીયા ડેરડેવિલ્સ'
વરરાજા અને દુલ્હને ટોસ ઉછાળ્યો
વર પક્ષ (કાલરીયા ફેમિલી) અને વેવાઈ પક્ષ (ડેડકીયા ફેમિલી) વચ્ચે રમાયેલી આ મેચમાં બંને ટીમો પ્રોફેશનલ લુકમાં જોવા મળી હતી. કાલરીયા નાઈટ રાઈડર્સ લાલ ટી–શર્ટ અને બ્લેક ટ્રેકમાં સજ્જ હતા, જ્યારે ડેડકીયા ડેરડેવિલ્સ પીળી ટી–શર્ટમાં મેદાનમાં ઉતર્યા હતા. વરરાજા શ્રેયભાઈ કાલરીયા અને દુલ્હન ભકિતબેન ડેડકીયાએ ટોસ ઉછાળ્યો હતો, જેમાં કાલરીયા પરિવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસદં કરી હતી. કાલરીયા નાઈટ રાઈડર્સ વતી ઓપનિંગમાં શુભ ગામી અને ઉમગં ડેડકિયાએ મેદાન ગજવ્યું હતું.
પ્રથમ ૪ ઓવરમાં જ ૫૯ રન ફટકાર્યા
પ્રથમ ૪ ઓવરમાં જ ૫૯ રન ફટકારીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી. ઉમંગભાઈએ શાનદાર ૫૯ રન બનાવ્યા હતા, જેના જોરે ટીમે ૧૨ ઓવરમાં ૧૫૧ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ડેડકીયા ડેરડેવિલ્સ તરફથી ધવલભાઈ અને હર્ષભાઈએ શરૂઆત કરી હતી. મિડલ ઓર્ડરમાં બંસીભાઈએ ૪૬ રનની ધુંઆધાર ઈનિંગ રમીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી, પરંતુ અંતે ૧૨ ઓવરમાં ૧૩૧ રન જ બનાવી શકયા હતા. આમ, કાલરીયા નાઈટ રાઈડર્સનો ૨૦ રને ભવ્ય વિજય થયો હતો.
પ્રોપર નિયમોનું પાલન કરવામાં આવ્યું.
આ મેચમાં માત્ર રમત જ નહીં, પરંતુ વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની હતી. જેમાં નો–બોલ પર ફ્રી હિટ અને થર્ડ અમ્પાયર જેવા પ્રોપર નિયમોનું પાલન કરવામાં આવ્યું. જીજ્ઞેશ પોપટની લાઈવ કોમેન્ટ્રી અને જૂનાગઢના ચાર્મી જીંજુવાડિયાનું શાનદાર એન્કરિંગ કરવામાં આવ્યું હતું. ચોગ્ગા–છગ્ગા પર ડીજેનો અવાજ અને પ્લેકાડર્સ સાથે ચિઅરલીડર્સ જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રેક્ષકો માટે પોપકોર્ન, સમોસા, ફ્રૂટ, કોલ્ડ્રિંક્સ અને શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ સ્ટાફ પણ વ્હાઈટ ડ્રેસ, કેપ અને ગ્લવ્સમાં પ્રોફેશનલ અંદાજમાં જોવા મળ્યો હતો.
બધું આયોજન એકદમ પ્રોપર અને આઈપીએલ જેવું હતું
શ્રેય કાલરીયા (વરરાજા)એ જણાવ્યું હતું કે અમે છેલ્લા ૧૩ વર્ષથી લગ્ન પ્રસંગે આવી ફન ઇવેન્ટ યોજીએ છીએ. આ વખતે પણ પૂરા નિયમો સાથે ક્રિકેટ રમાઈ અને બંને પરિવારના સભ્યો–મિત્રોએ ખૂબ આનદં લીધો. ભકિત ડેડકિયા (દુલ્હન) જણાવ્યું હતું કે મારા લગ્ન ૨૨ તારીખે છે અને સેલિબ્રેશનની શરૂઆત આટલી સરસ રીતે થઈ તે જોઈને બહુ મજા આવી. બધું આયોજન એકદમ પ્રોપર અને આઈપીએલ જેવું હતું. મેચના અંતે વિજેતા ટીમને ટ્રોફી અને તમામ ખેલાડીઓને મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા