BREAKING NEWS

ખાલી થઈ રહ્યા છે દુનિયાના ઓઇલ રિઝર્વ: તેલ ભંડાર ખતમ થશે તો શું થશે? હોર્મુઝની નાકેબંધી વચ્ચે ગ્લોબલ એક્સપર્ટ્સની મોટી ચેતવણી

  • May 20, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) ની નાકેબંધીએ સમગ્ર વિશ્વ સમક્ષ કાચા તેલ (Crude Oil) નો મોટો કટોકટીકાળ લાવી દીધો છે. ત્રણ મહિના પહેલા જે ખતરો બિલકુલ અશક્ય લાગતો હતો, તે હવે વાસ્તવિકતા બની ગયો છે. ઝડપથી ખાલી થઈ રહેલા વૈશ્વિક ઓઇલ રિઝર્વ (તેલ ભંડાર) ને લઈને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પૃથ્વી પર ઉર્જા સંકટની ગંભીર ચેતવણી આપી છે.

એક્સપર્ટ્સના મતે, મધ્ય પૂર્વનો આ સંઘર્ષ લાંબો ખેંચાઈ શકે છે, જેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો લાંબા સમય સુધી ખોરવાયેલો રહેશે. હાલમાં વિશ્વભરના દેશો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અગાઉથી સંગ્રહિત કરી રાખેલા તેલ ભંડાર પર નિર્ભર થઈ ગયા છે, જે ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે.


ઉત્પાદનમાં ઐતિહાસિક ઘટાડો
ડેટા એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર' (Kpler) ના અહેવાલ અનુસાર, 28 ફેબ્રુઆરીથી 8 મે વચ્ચે મધ્ય પૂર્વમાંથી થતી તેલની સપ્લાયમાં કુલ 78.2 કરોડ બેરલનો ઘટાડો નોંધાયો છે, જે મે મહિનાના અંત સુધીમાં 1 અબજ બેરલ સુધી પહોંચી શકે છે. મુખ્ય દેશોના દૈનિક ઉત્પાદનમાં નીચે મુજબનો મોટો ઘટાડો થયો છે:


સાઉદી અરેબિયા:
દરરોજ 30 લાખ બેરલથી વધુ તેલનું ઉત્પાદન ગુમાવી રહ્યું છે.


ઇરાક:
દૈનિક ઉત્પાદન 28.8 લાખ બેરલ ઓછું થયું છે.


કુવૈત:
રોજનું 17.5 લાખ બેરલ ઉત્પાદન ઘટ્યું છે.


ઇરાન:
દૈનિક ઉત્પાદનમાં 16.9 લાખ બેરલનો મોટો ઘટાડો થયો છે.


IEA ની ચિંતા અને ઓપરેશનલ તણાવ

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે આ વર્ષે તેલની માંગ સપ્લાય કરતાં ઘણી વધારે થઈ જશે. એજન્સીના મતે, મધ્ય પૂર્વમાં તેલ પુરવઠો પહેલેથી જ પ્રતિદિન 1.05 કરોડ બેરલ ઘટી ચૂક્યો છે.


ગ્લોબલ ફાઇનાન્સ ફર્મ જેપી મોર્ગનના વિશ્લેષકોનું અનુમાન છે કે આગામી મહિના (જૂન) સુધીમાં વિકસિત દેશોમાં વ્યાપારી તેલ ભંડાર ‘ઓપરેશનલ તણાવ’ એટલે કે અત્યંત નાજુક સ્તરે પહોંચી શકે છે. જેપી મોર્ગનના ગ્લોબલ કોમોડિટી સ્ટ્રેટેજી હેડ નતાશા કાનેવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "ગમે તે રીતે જૂન મહિનામાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવી જ પડશે, અન્યથા સ્થિતિ બેકાબૂ બનશે."


અરામકોના સીઈઓ અને એટલાન્ટિક કાઉન્સિલની ચેતવણી
સૌથી મોટી ઓઇલ કંપની સાઉદી અરામકોના સીઈઓ અમીન નાસિરે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જમીન પર રહેલા તેલના ભંડાર રેકોર્ડ ગતિએ ઘટી રહ્યા છે. આ ભંડાર હાલમાં બજાર માટે ‘એકમાત્ર સુરક્ષા કવચ’ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્ટોરેજમાં રહેલું બધું તેલ તરત જ ઉપલબ્ધ થઈ શકતું નથી. યુરોપ અને અમેરિકામાં સ્ટોરેજમાંથી રોજનું મહત્તમ 20 લાખ બેરલ તેલ જ બહાર કાઢી શકાય છે. કેપ્લરના મતે માર્ચથી અત્યાર સુધીમાં 6 કરોડ બેરલ તેલ ભંડારમાંથી કાઢવામાં આવ્યું છે.


એટલાન્ટિક કાઉન્સિલના વરિષ્ઠ ફેલો એલેન વાલ્ડે જણાવ્યું કે, "વપરાશને માત્ર એક મર્યાદા સુધી જ ઘટાડી શકાય છે. જ્યારે આ સરકારી તેલ ભંડાર ખાલી થશે, ત્યારે તે ખરેખર ખતમ થઈ જશે. સપ્લાય અને માંગ વચ્ચેની આ મોટી ખાઈ આંતરરાષ્ટ્રીય બજારને ખરાબ રીતે હચમચાવી દેશે અને કિંમતો આકાશે આંબશે."


​​​​​​​જો આગામી દિવસોમાં યુદ્ધ નહીં અટકે તો આ સંકટ માત્ર તેલના ભાવ વધારા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ રિફાઇનિંગ પ્રક્રિયા અને સામાન્ય ગ્રાહકો સુધી ઇંધણ પહોંચાડવામાં પણ વિશ્વવ્યાપી ગંભીર સમસ્યા ઊભી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application