BREAKING NEWS

ધોરાજી તાલુકાના ભક્તિ પેટ્રોલ પંપ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીઓ ઝડપાયા

  • September 25, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી: ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ–પોરબંદર નેશનલ હાઈવે પર ભતુવડ પાટીયા નજીક આવેલા ભક્તિ પેટ્રોલ પંપ ખાતે થયેલી ચોરીનો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ ઓટો સીએનજી રિક્ષા સહિત કુલ રૂ.૧,૨૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન ભક્તિ પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા કર્મચારી બહાર સુઈ ગયા હતા. તે દરમિયાન અજાણ્યો શખ્સ ટેબલના ખાનામાં રાખેલી રૂ.૨૮,૦૬૦ની રોકડ તથા ઓશીકા પાસે રાખેલો આશરે રૂ.૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૮,૦૬૦ની ચોરી કરી ફરાર થયો હતો. આ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો હતો. આ કાર્યવાહીમાં પ્રતીકભાઈ ઉર્ફે પતીયો પરસોતમભાઈ સાકરીયા, રજાકભાઈ ઉર્ફે કાળીયો ઇસાભાઈ મુસાણી, ભાવેશભાઈ ઉર્ફે દોણીયો ભુપતભાઈ મકવાણા અને દીપકભાઈ દલાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૨૫,૦૦૦ રોકડ, બે મોબાઈલ ફોન કિંમત રૂ.૨,૦૦૦ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ ઓટો સીએનજી રિક્ષા કિંમત રૂ.૧ લાખ, મળી કુલ રૂ.૧,૨૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવની દેખરેખમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરો આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ સહિત એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application