BREAKING NEWS

દેશમાં પીએનજી કનેક્શન ૧.૭૫ કરોડ ૫૯ લાખ ઘરમાં ગેસ પહોંચ્યો જ નથી

  • October 02, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના નાગરિકોના ઘરો સુધી રસોઈ માટે પાઇપ નેચરલ ગેસ (પીએનજી) પહોંચાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ આ યોજનાની ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. પાઇપલાઇન ઘર સુધી પહોંચી જવા છતાં અનેક લોકો તેનો લાભ મેળવી શકતા નથી. દેશભરમાં હાલ ૧.૭૫ કરોડથી વધુ ઘરેલું પીએનજી કનેક્શન્સ આપવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી ૧.૧૮ કરોડ કનેક્શન્સ જ ગેસ આપૂર્તિના કામમાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં આશરે ૫૯ લાખથી વધુ કનેક્શન્સ માત્ર કાગળ પર કે દેખાડા પૂરતા જ બની રહ્યા છે.આ યોજનામાં અડચણરૂપ કારણોની વાત કરીએ તો, દરેક વિસ્તારની વ્યવહારિકતા, માત્ર આવાસીય વિસ્તારોમાં જ પાઇપલાઇન નાખવામાં કંપનીઓની સીમિત રૂચિ, અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ (વેટ)ની અલગ નીતિ અને અબાધિત આપૂર્તિ નહીં થવાને કારણે આશરે ૪૦ ટકા કનેક્શન્સ ચાલુ થઈ શકતા નથી. ઉદાહરણ તરીકે, રાજસ્થાનમાં આવા 'દેખાડાના' પીએનજી કનેક્શન્સની સંખ્યા ૭૨ ટકા જેટલી છે, જ્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો ૩૫ ટકા છે. આ જ કારણ છે કે પાઇપલાઇન ઘર સુધી પહોંચવા છતાં લોકો પીએનજીનો પૂરેપૂરો લાભ લઈ શકતા નથી.વિવિધ રાજ્યોમાં સક્રિય કનેક્શન્સની સ્થિતિ પર નજર કરીએ તો, મહારાષ્ટ્રમાં ૪૭.૭૩ લાખ કુલ કનેક્શન સામે ૫૮.૯ ટકા સક્રિય કનેક્શન છે, જ્યારે ગુજરાતમાં ૩૯.૮૧ લાખ કુલ કનેક્શનમાંથી ૯૨.૪ ટકા સક્રિય કનેક્શન છે. ઉત્તર પ્રદેશમાં ૨૩.૬૬ લાખમાંથી ૬૯.૧ ટકા, દિલ્હીમાં ૧૯.૯૪ લાખમાંથી ૭૩.૯ ટકા, કર્ણાટકમાં ૬.૨૭ લાખમાંથી ૫૭.૪ ટકા, રાજસ્થાનમાં ૫.૫૯ લાખમાંથી માત્ર ૨૮.૩ ટકા, મધ્યપ્રદેશમાં ૩.૪૧ લાખમાંથી ૬૫.૫ ટકા અને છત્તીસગઢમાં ૦.૨૨ લાખમાંથી માત્ર ૩.૧ ટકા કનેક્શન્સ જ સક્રિય હાલતમાં છે.આ સમસ્યાના નિવારણ માટે સરકાર હવે પ્રોત્સાહન યોજનાનો સહારો લઈ રહી છે, જેથી નવા કનેક્શન વધારી શકાય અને અગાઉ આપેલા કનેક્શન્સને સક્રિય કરી શકાય. પીએનજી કનેક્શન્સને વાસ્તવિકતામાં ૧૦૦ ટકા ચાલુ કરવા માટે સરકાર કંપનીઓને પ્રોત્સાહિત કરી રહી છે અને ગેસનું વધારાનું ટાંટ આપી રહી છે. આ યોજના આગામી છ માસ સુધી ચાલશે.રાજ્યોમાં વેટ (ટેક્સ) ની અસરો પણ આ યોજના પર પડે છે. પીએનજી પર વેટ દર દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશમાં વેટ શૂન્ય ટકા છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૩ ટકા, ગુજરાત, દિલ્હી અને છત્તીસગઢમાં ૫ ટકા છે. આની સામે રાજસ્થાનમાં વેટ દર ૭.૫ ટકા અને મધ્યપ્રદેશમાં ૧૪ ટકા જેટલો ઊંચો છે, જેની સીધી અસર કનેક્શન્સની સક્રિયતા પર પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application