દેવઉઠી એકાદશી સાથે 20 નવેમ્બરથી લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે લગ્ન માટેનું પ્રથમ શુભ મુહૂર્ત 21 નવેમ્બરે છે. નવેમ્બર મહિનામાં લગ્ન માટે કુલ 4 અને ડિસેમ્બરમાં 7 શુભ તારીખો છે. આ વર્ષનું છેલ્લું લગ્ન મુહૂર્ત 12 ડિસેમ્બરે રહેશે. ત્યારબાદ લગ્ન માટે આગામી શુભ મુહૂર્ત જાન્યુઆરી 2027માં મળશે.
વર્ષ 2027માં 15 જાન્યુઆરીથી ફરી લગ્નની સિઝન શરૂ થશે. આગામી વર્ષ દરમિયાન લગ્ન માટે કુલ 96 દિવસ શુભ મુહૂર્ત રહેશે. તેમાં સૌથી વધુ 34 શુભ તારીખો મે અને જૂન મહિનામાં જોવા મળશે. જોકે, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એકપણ લગ્ન મુહૂર્ત નહીં હોય. ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળામાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહેતા હોવાથી લગ્ન સહિતનાં શુભ કાર્યો કરવામાં આવતાં નથી.
ધાર્મિક પંચાંગ અનુસાર, 16 ડિસેમ્બરે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે ધનુમાસ એટલે કે ખરમાસ શરૂ થશે. હિન્દુ પરંપરા મુજબ ખરમાસ દરમિયાન લગ્ન માટે શુભ મુહૂર્ત હોતાં નથી. ત્યારબાદ 14 જાન્યુઆરીની રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ પૂર્ણ થશે. આ પછી 15 જાન્યુઆરી, 2027થી ફરી લગ્નનાં શુભ મુહૂર્ત શરૂ થશે.
ધાર્મિક માન્યતા અનુસાર, અષાઢ મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની શયનવિધિ કરવામાં આવે છે. આ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહે છે. આ સમયગાળા દરમિયાન લગ્ન અને ગૃહપ્રવેશ જેવાં શુભ કાર્યોનાં મુહૂર્ત રાખવામાં આવતાં નથી.
ત્યારબાદ કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને નિદ્રામાંથી જગાડવામાં આવે છે. આ દિવસ દેવઉઠી એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે તુલસી વિવાહની પરંપરા પણ નિભાવવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપને વરરાજા અને તુલસીને કન્યા તરીકે શણગારવામાં આવે છે. સાંજે મંડપમાં પૂજા-અર્ચના સાથે લગ્નની વિધિઓ કરવામાં આવે છે. દેવઉઠી એકાદશીથી જ હિન્દુ પરંપરા મુજબ લગ્ન અને અન્ય શુભ પ્રસંગોની સિઝનનો પ્રારંભ થાય છે.