અમદાવાદ અને ગાંધીનગરમાં આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ઓફિસને બપોરે 1:11 વાગ્યે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને આરએસએસ કાર્યાલયને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ધમકી એવા સમયે મળી છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક મહત્વની બેઠક માટે દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રીની ગેરહાજરી વચ્ચે મળેલી આ ધમકીને પગલે ગાંધીનગરમાં સીએમઓ ઓફિસની બહાર તાત્કાલિક ધોરણે અત્યંત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ધમકી મળવાના ગણતરીના મિનિટોમાં જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમો સ્નિફર ડોગ્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓ એએમસી બિલ્ડિંગના 'સી' બ્લોકમાં આવેલા મહત્વના સરદાર પટેલ ભવનમાં ખૂણે-ખૂણાનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ જ પ્રકારે, મણિનગર સ્થિત આરએસએસ કાર્યાલય ખાતે પણ ધમકી મળતાની સાથે જ પોલીસ અને ફાયરની ટીમો દોડી ગઈ હતી અને ત્યાં પણ કિલ્લાબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધમકીના પગલે વહીવટીતંત્રે મોડું કર્યા વિના તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી. કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં હાજર મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને તમામ સ્ટાફ તાબડતોબ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.
એએમસીના મેયર હિતેશ બારોટે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ફાયર બ્રિગેડના જવાનોને વિશેષ સૂચના આપી હતી. તેમણે બેઝમેન્ટથી લઈને ઉપરના તમામ માળ સુધીની દરેક ઓફિસોમાં ફાયરના જવાનોને મોકલીને સઘન ચેકિંગ કરવા અને પરિસરમાં કોઈ પણ વ્યક્તિ બાકી ન રહે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. કોર્પોરેશનની ખાનગી સિક્યુરિટીએ પણ પોલીસ સાથે મળીને તમામ મુલાકાતીઓ અને સામાન્ય જનતાને પરિસરની બહાર સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસના પરિસરમાં કુલ ત્રણ મોટા બ્લોક આવેલા છે. જેમાંથી 'બી' અને 'સી' બ્લોકમાં કોર્પોરેશનના અલગ-અલગ વહીવટી વિભાગોની ઓફિસો આવેલી છે, જેમાં સામાન્ય દિવસોમાં હજારો લોકોની અવરજવર હોય છે. આ સિવાય આ જ પરિસરમાં ફૂડ વિભાગ અને જન્મ-મરણ નોંધણીની કોર્ટ પણ આવેલી છે. સુરક્ષાના ભાગરૂપે આ તમામ વિભાગો અને કોર્ટની બિલ્ડિંગને પણ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી હતી.
જનતાને અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ
આ આખા મામલાને રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે અત્યંત ગંભીરતાથી લીધો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરના તમામ સંવેદનશીલ, ધાર્મિક અને જાહેર સ્થળો પર સિક્યુરિટી એરેન્જમેન્ટ સખત કરી દેવામાં આવી છે. બીજી તરફ, આ ધમકી પાછળ કોઈ આતંકી સંગઠનનું ષડયંત્ર છે કે કોઈ ટીખળખોરોનું કૃત્ય છે, તે જાણવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમની સ્પેશિયલ ટીમ ટેકનિકલ તપાસમાં લાગી ગઈ છે. જે ઈ-મેલ આઈડી પરથી આ મેસેજ આવ્યા છે, તેના ઓરિજિનલ સોર્સ, લોકેશન અને આઈપી એડ્રેસને ટ્રેસ કરવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસને જનતાને અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.