ગજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાના ધમકીભર્યો ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. જેના પગલે વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું હતું. વિધાનસભા સંકુલ ખાલી કરાવવામાં આવ્યું હતું અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર વિધાનસભા સંકુલને ખાલી કરવામાં આવ્યું હતું. બાદમાં સુરક્ષા કર્મીઓના ચેકિંગ બાદ વાંધાજનક વસ્તુઓ ન મળતા ધારાસભ્યો અને મંત્રીઓને ફરી વિધાનસભામાં બાલોવવામાં આવ્યા હતા અને બજેટ સત્ર એક કલાક મોડું શરૂ કરવામાં આવ્યું હતું. ધમકીભર્યા ઇ-મેઇલમાં લખ્યું હતું કે, બપોરે 2.11 વાગ્યે વિધાનસભામાં બ્લાસ્ટ થશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજે સત્રનો 20મો દિવસ છે. સવારે સત્રની શરૂઆત થતાં જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. આ મેઇલમાં વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આજે સવારે વિધાનસભામાં ધારાસભ્યો પહોંચ્યા હતાં. નવ વાગ્યે સત્રની શરૂઆત થવાની હતી. પરંતુ આ ધમકી મળતાં જ પોલીસે તમામને બહાર મોકલી દીધા હતાં અને ચેકિંગ શરૂ કર્યું હતું. તમામ ધારાસભ્યોને ગૃહમાંથી પોલીસે બહાર કાઢ્યા હતાં. આજે સવારે નવ વાગ્યાના સત્રની કામગીરી દસ વાગ્યે શરૂ કરાઈ હતી.
ગાંધીનગરના પ્રવેશદ્વારો અને સચિવાલયના તમામ ગેટ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ધમકી કોઈની મજાક છે કે કોઈ મોટું કાવતરું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર વિધાનસભા સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની સાથે અમદાવાદની સ્કૂલોને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-સીએમ પટેલ. કચ્છના મુંદ્રા બંદરે એલપીજી ટેન્કર્સ પર મિસાઇલ હુમલો કરીશું.
સ્કૂલોને મળેલા આ ઈ-મેઇલમાં લખ્યું છે કે, ગુજરાત બોલેગા ખાલિસ્તાન. અમદાવાદની સ્કૂલોમાં બપોરે 1.11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે. તમારા બાળકોને બચાવી લેજો. અમદાવાદ-ગાંધીનગરની સ્કૂલોમાં આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવશે. વિધાનસભા(વિઠ્ઠલભાઈ પટેલ ભવન)માં 2.11 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવશે. સીએમ પટેલ ખાલિસ્તાન રેફરેન્ડમ દે સપોર્ટ વીચ રિઝોલ્યુશન નહીંતર પટેલ ભવન ઉડાવી દઈશું.
ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે.
ગાંધીનગર વિધાનસભાને ધમકીભર્યો ઈ-મેઇલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે. એસપી રવી તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું કે વિધાનસભાના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર જી-મેઇલ મારફતે અંગ્રેજીમાં મોકલાયેલા મેઇલમાં બપોરે 2 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ મામલે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ આવા કોઈ ઈ-મેઇલ સાથે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને ઈ-મેઇલના સોર્સ સુધી પહોંચવા માટે સાયબર ટીમ કામે લાગી ગઈ છે.
આખા ગાંધીનગરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પ્રશાસન અને તપાસ એજન્સીઓએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. ઘટનાસ્થળે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ) અને ડોગ સ્ક્વોડની અનેક ટીમો ઉતારી દેવામાં આવી હતી. સમગ્ર વિધાનસભા સંકુલને સુરક્ષા કોર્ડન હેઠળ લઈ લેવામાં આવ્યું હતું અને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી.
સમગ્ર ગાંધીનગર અને સચિવાલય વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને દરેક પ્રવેશદ્વાર પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું.
ગૃહની કામગીરી એક કલાક મોડી શરૂ થઈ
આજે સવારે નવ વાગ્યાથી ગૃહની કામગીરી શરૂ થવાની હતી પરંતુ તે પહેલાં ધમકીભર્યો મેઇલ મળતા ગૃહની કામગીરીમાં એક કલાકનો વિલંબ થયો હતો. ઘટનાને પગલે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી રાજદીપ સિંહ ઝાલા વિધાનસભા પહોંચ્યા હતા અને ધમકીભર્યા ઇ-મેઇલની તપાસ હાથ ધરી હતી. જોકે ચેકિંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રવેશ કર્યો હતો. વિધાનસભાના કર્મચારીઓ પણ પોતાની જગ્યાએ પહોંચ્યા હતા.
ગૃહમાં હાજર થવા ધારાસભ્યો-મંત્રીઓને બેલ(ઘંટડી)નો કોલ અપાયો
ગૃહમાં હાજર થવા માટે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને બેલ (ઘંટડી)નો કોલ આપવામાં આવ્યો હતો. સવારે નવ વાગ્યાની જગ્યાએ દસ વાગ્યે વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ હતી. બોમ્બની ધમકીને પગલે એક કલાક ગૃહની કામગીરી મોડી શરૂ થઈ હતી.
ધારાસભ્યોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા
વિધાનસભાને મળેલી બોમ્બની ધમકી બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. વિવિધ પક્ષના નેતાઓએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ધમકીભર્યા મેલ મળવાનો આ સિલસિલો હવે બંધ થવો જોઈએ. ગ્યાસુદ્દીન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, જો રાજ્યની વિધાનસભા જ સુરક્ષિત નથી, તો ગુજરાતની સામાન્ય પ્રજા કેવી રીતે સેફ રહેશે? ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આવી ધમકી આપનારા તત્વોને તાત્કાલિક પકડી તેમની સામે દાખલારૂપ કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યારે હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, ધમકી આપવાવાળા ડરપોકની જેમ મેલ કરવાને બદલે સામે આવે. આમ, સવારથી જ ગૃહની કામગીરી ખોરવાઈ છે અને નેતાઓએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી
ગાંધીનગર વિધાનસભા બાદ અમદાવાદમાં પણ બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાના ઈ-મેલની સાથે જ અમદાવાદની પાંચ જાણીતી શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. શહેરના મેમનગર વિસ્તારની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ સહિત કુલ પાંચ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ સમાચાર મળતા જ વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી અને શાળાઓમાં દોડધામ મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો શાળાઓ પર પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે કે શું વિધાનસભા અને શાળાઓને મળેલા ઈમેલ પાછળ કોઈ એક જ ગેંગનો હાથ છે કે કેમ?