ગુજરાતમાં આજે સવારે એકસાથે ત્રણ મહત્વના સરકારી સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ, ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ અને અમરેલી પોસ્ટ ઓફિસને ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. સતત મળી રહેલી આવી ધમકીઓને પગલે પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું હતું.
સુરત પાસપોર્ટ ઓફિસમાં સઘન તપાસ
મળતી માહિતી અનુસાર, સુરતની પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યે એક ઈ-મેઈલ આવ્યો હતો. અંગ્રેજી ભાષામાં લખાયેલા આ મેઈલમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ચીમકી આપવામાં આવી હતી. ઓફિસ શરૂ થતાની સાથે જ સ્ટાફના ધ્યાને આ મેઈલ આવતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉમરા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના કારણોસર ઓફિસ બિલ્ડિંગને તુરંત ખાલી કરાવવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા ઓફિસના ખૂણેખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે.
ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસ પણ નિશાન પર
સુરતની ઘટના બાદ તરત જ સમાચાર મળ્યા કે ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને પણ ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ ઉપરાંત અમરેલી પોસ્ટ ઓફિસને પણ સમાન પ્રકારની ધમકી મળતા સ્થાનિક તંત્રમાં હડકંપ મચી ગયો છે. અમરેલીમાં ધમકી મળતાની સાથે જ ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો પોસ્ટ ઓફિસ પહોંચી હતી. પોસ્ટ ઓફિસમાં હાજર કર્મચારીઓ અને નાગરિકોને બહાર કાઢીને સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને તલાશી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સાયબર સેલ તપાસમાં જોતરાયું
એકસાથે ત્રણ અલગ-અલગ સ્થળોએ મળેલી આ ધમકીઓ કોઈ મોટી સાજીશ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે ત્રણેય સ્થળોએ તપાસ તેજ કરી દીધી છે. સાથે જ સાયબર ક્રાઈમની ટીમ પણ સક્રિય થઈ છે અને જે ઈ-મેઈલ આઈડી પરથી ધમકીભર્યા મેઈલ આવ્યા છે, તેનું IP એડ્રેસ ટ્રેસ કરીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ધમકીઓ અફવા છે કે કોઈ વાસ્તવિક ખતરો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં પોલીસ પ્રશાસન કોઈ જોખમ લેવા માગતું નથી.