BREAKING NEWS

એક વાગ્યે વિસ્ફોટ થશેઃ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  • December 18, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં 12 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડના ચેકિંગ દરમિયાન કઈ મળ્યું નહોતું. ત્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આથી સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, આજે સવારે કલેક્ટર કચેરીના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, કચેરીના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને આજે બપોરે 1:00 વાગ્યે તેમાં વિસ્ફોટ થશે. આ મેલ વાંચતાની સાથે જ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.


ધમકી મળતાની સાથે જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી હતી અને પરિસરની બહાર મોકલી દેવાયા હતા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના એક-એક ખૂણાની તપાસ કરવામાં આવી હતી.


પોલીસના જણાવ્યા મુજબ, બપોરે 1 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં, સુરક્ષાના કારણોસર હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ ગંભીર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ છે. ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરવામાં આવી રહી છે. કોઈએ તોફાન કરવા માટે કે જાણીજોઈને ભય ફેલાવવા માટે આ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application