ગેરકાયદેસર રીતે વિદેશી ધરતી પર જઈને અમેરિકામાં પ્રવેશવાનું સ્વપ્ન જોતા ગુજરાતના યુવાનો માટે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવક અને બે યુવતીનું ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. અપહરણકારો દ્વારા આ યુવક-યુવતીઓના પરિવારો પાસે છોડવા બદલ એક કરોડ રૂપિયાની તોતિંગ ખંડણીની માંગણી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટ દ્વારા આ યુવક-યુવતીઓને વિદેશ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અપહરણનો ભોગ બનેલા યુવકનું નામ ૨૩ વર્ષીય ઋત્વિક શૈલેષભાઈ જનસરી છે, જ્યારે યુવતીનું નામ ૩૦ વર્ષીય મમતા ચિરાગભાઈ ચાવડા છે. આ બંને ગત ૨૦ સપ્ટેમ્બરે ગુજરાતથી જયપુર થઈને એતિહાદ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અબુ ધાબી પહોંચ્યા હતા અને તે જ દિવસે ઇથોપિયાના એડિસ અબાબા ખાતે ઉતર્યા હતા. તેમણે ઇથોપિયાના એક મહિનાના ઇ-વિઝા મેળવ્યા હતા અને એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર આવેલા જીએસએફ (GSF) ગેસ્ટ હાઉસમાં ૨૦ થી ૨૯ સપ્ટેમ્બર સુધી રોકાણ કરવાનું આયોજન કર્યું હતું.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે તેમની સાથે ગયેલા અન્ય એક યુવકના પરિવારે અપહરણકારોને ૭૦ લાખ રૂપિયાની ખંડણી ચૂકવી દીધી હતી. રૂપિયા મળ્યા બાદ અપહરણકારોએ તે યુવકને મુક્ત કરી દીધો હતો અને તે હેમખેમ ગુજરાત પરત ફરી ગયો હતો. ઋત્વિક અને મમતા સહિત અન્ય એક યુવતીના પરિવારોએ પણ અપહરણકારો સાથે સોદાબાજી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રૂપિયા ચૂકવ્યા છતાં છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઈ જ પત્તો ન લાગતા આખરે પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મુખ્ય એજન્ટ અલ્પેશ પટેલે આ કામ વડોદરાના અન્ય કોઈ એજન્ટને સોંપ્યું હતું, અને હાલમાં એજન્ટ અલ્પેશ પટેલ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ અપહૃત લોકોની અગાઉ આ જ માર્ગે યમન મોકલવામાં આવેલા અન્ય દસ જેટલા લોકો પણ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા છે અને હજુ સુધી તેમનો કોઈ જ પત્તો લાગ્યો નથી, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે.