સુરતમાં ઉત્તરાયણનો પર્વ માતમમા ફેરવાયો હતો. અલગ અલગ ત્રણ ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં એક તો આખો પરિવાર મોતના મુખમાં ધકેલાયો હતો. પહેલા બનાવની વાત કરીએ તો સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર ગઈકાલે સાંજના પાંચથી છ વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને સાત વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે, અચાનક પતંગની દોરીએ રેહાનના શરીરને અડી ગઈ હતી, જેથી રેહાને એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
ચાલુ બાઈકે દોરી હટાવતી વખતે વાહનનું સંતુલન બગડી ગયું હતું અને વાહન પુલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા, જે મોટરસાઇકલ પર સવાર હતાં, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યાં હતાં. નીચે પટકાવાથી રેહાન અને તેની પુત્રી આયેશાનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે જ રેહાન અને તેની પુત્રી આયેશાના મોત નીપજ્યા હતા. જ્યારે પત્ની રહેનાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે એક જ પરિવારના પિતા, પુત્રી અને માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજો બનાવ
બીજા બનાવમાં ભેસ્તાન વિસ્તારમાં આવેલી જય રાધે સોસાયટીમાં ગઈકાલે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 14 વર્ષની મંટુ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી. પતંગના પેચ લડાવવાના આનંદમાં કિશોરીનું ધ્યાન ન રહેતા તે અચાનક ધાબા પરથી નીચે પટકાઈ હતી. નીચે પટકાતા જ સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર શરૂ થાય તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ભેસ્તાન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજો બનાવ
ત્રીજા બનાવમાં અલથાણ વિસ્તારમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ હતી. 23 વર્ષીય પ્રિન્સ બાથમ નામનો યુવક સાંજના સમયે પોતાના ટુ-વ્હિલર પર બહાર નીકળ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક પતંગની ધારદાર દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી વાગતા જ પ્રિન્સ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.