BREAKING NEWS

ક્રાઇમ બ્રાન્ચનો દરોડોઃ બામણબોર પાસે 20 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ શખસો ઝડપાયા

  • October 30, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અમદાવાદ હાઈવ પર બામણબોર પાસેથી ૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે ગોંડલના ત્રણ પેડલરને ઝડપી લીધા હતા. ઓરિસ્સાથી ગાંજો લાવી રાજકોટમાં ઘુસાડે તે પૂર્વે જ આઈશર વાહન સહિત લાખોની મત્તા સાથે આરોપીને પકડી સપ્લાય ક્યાં કરવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.


દરોડાની વિગત મુજબ,ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ અજીતસિંહ ચાવડા, પીઆઇ એમ.એલ. ડામોર અને ચિરાગ જાદવની રાહબરીમાં અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ વી.ડી. ડોડીયા અને ટીમને અમદાવાદ તરફથી અમુક શખસો ગાંજાના મોટા જથ્થા સાથે રાજકોટ આવી રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી.


બાતમીના આધારે ટીમે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર બામણબોર ગામ જવાના રસ્તા પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ત્યાંથી પસાર થયેલ ફરીદ મેરાજ બ્લોચ (ઉવ. ૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે. બરકતી પરા, ખેતલાબાપા ચોક, ઘોઘાવદર રોડ, ગોંડલ), મહેબુબ આદમ દોઢીયા (ઉવ. ૫૮, રહે. વોરા કોટડા રોડ, પંજપીરની ધાર, કે.જી.એન. મસ્જીદ પાસે ગોંડલ) અને હસમુખ શાંતિ અગ્રાવત  (ઉ.વ.૪૬, રહે. રૈયાણીનગર સમર્પણ સ્કુલની બાજુમાં વોરા કોટડા રોડ, અવધ મકાન ગોંડલ) ને  આઇસર વાહન નં. જીજે-06-એવી-3000 સાથે ઝડપી લીધા હતા. 


તપાસ કરતા આઈશરમાંથી પ્લાસ્ટીકના અલગ અલગ કુલ-૨ બાચકાઓમાંથી ખાખી કલરની સેલોટેપ વીંટાળેલ પાર્સલ નંગ-૧૧ મળી આવેલ છે જે તમામ પાર્સલમાં વનસ્પતિજન્ય પાંદડા તથા ડાળખા સહિતનો પદાર્થ મળી આવેલ છે. જે  પકડાયેલ શખ્સોએ ગાંજો હોવાનુ જણાવેલ હતું. 


હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ માદક પદાર્થ ૨૦ કિલોની આસપાસ હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એરપોર્ટ પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લઈ આવતાં હોવાની આરોપીઓએ પ્રાથમિક કબૂલાત આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application