ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા ત્રણનાં મૃત્યુ
ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા ત્રણનાં મૃત્યુ
May 20, 2026 09:54 AM
ભાવનગર-ધોલેરા રોડ પર મોડી રાત્રે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ભાલ પંથકમાં આવેલા ભડભીડ ટોલનાકા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર આગળ દોડતા ભારે માલવાહક કન્ટેનરની પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે પડીકુ થઈ ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મોડી રાત્રે હાઈવે પર સર્જાયેલા અકસ્માતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણાંતિકા ભડભીડ ટોલનાકાથી આશરે એક કિલોમીટર દૂર આવેલી ત્રણ નંબરની ખાડી પાસે ઘટી હતી. મોડી રાત્રીના સુમારે હાઈવે પર વાહનોની અવરજવર ઓછી હોવાથી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો અડધો ભાગ કન્ટેનરની નીચે ઘૂસી ગયો હતો. અકસ્માતનો અવાજ એટલો મોટો હતો કે આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારના પતરા ચીરીને જ્યારે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ત્રણેયના પ્રાણ પંખેરૂ ઊડી ચૂક્યા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકોની ઓળખ વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝ મલેક તરીકે કરી હતી. આ ત્રણેય મૃતકો સ્થાનિક અને આશાસ્પદ યુવાનો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની જાણ તેમના પરિવારો સુધી પહોંચતા જ સગા-સંબંધીઓમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. એકસાથે ત્રણ-ત્રણ મિત્રો કે સ્નેહીઓના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ત્રણેય યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના અને મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલ પરિસરમાં હાજર મૃતકોના સ્વજનોના આસું રોકાયા રોકાતા નહોતા, જેને કારણે હોસ્પિટલનું સમગ્ર વાતાવરણ ભારે શોકમાં ગરકાવ થઈ ગયું હતું. હાઈવે પર આ પ્રકારના અકસ્માતો વારંવાર ચિંતાનો વિષય બનતા રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક વિગતો મેળવીને આ મામલે કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત કન્ટેનર ચાલકની કોઈ બેદરકારીના કારણે થયો કે પછી કાર ચાલકે રાત્રિના અંધારામાં ઝોકું આવી જવાને કારણે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું, તે સહિતના તમામ પાસાઓ પર પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ હાઈવેના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.