ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે કોરિડોર પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સુરતથી વતન જઈ રહેલા પરિવારને કાળ આંબી જતાં મુડાવડેખ પંથકમાં અને મૃતકના સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ગોધરા તાલુકાના ભાટપુરા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ-વે પર વહેલી સવારે સર્જાયો હતો. મૂળ મુડાવડેખના વતની અને હાલ સુરતમાં રહેતા આ પરિવારના સભ્યો પોતાની કારમાં સવાર થઈ વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાટપુરા ગામની સીમમાં તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના પતરાં ચીરાઈ ગયા હતા અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો આ ભયાનક દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ કરુણ અકસ્માતમાં કારમાં સવાર માતા, પિતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જોકે, કુદરતની કરામત કહો કે ચમત્કાર, પરિવારની એક માસૂમ પુત્રીનો આ ગમખ્વાર અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. જોકે તેને પણ ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોતાની નજર સામે જ માતા-પિતા અને ભાઈને ગુમાવનાર પુત્રીની હાલત અત્યંત ગંભીર અને આઘાતજનક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરી હતી. પોલીસે હાલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહનની શોધખોળ તેજ કરી છે. હસતા-રમતા સુરતથી વતનની સફરે નીકળેલા પરિવારના આ રીતે અંતિમ સફર બની જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.