ગોંડલ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર અનિડા ભાલોડી ગામ સહિત આખા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશ કરશનભાઈ બગડા (ઉંમર વર્ષ ૪૦) પોતાના એક્ટિવા (નંબર GJ 03 LS 5971) પર પત્ની શાંતુબેન અને ૧૩ વર્ષીય પુત્ર વ્રજ સાથે રામોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘોઘાવદર અને રામોદ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા નેક્સોન કાર (નંબર GJ 23 CF 0472) સાથે તેમનું એક્ટિવા ધડાકાભેર અથડાઈ ગયું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા પર સવાર ત્રણેય સભ્યો ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
આ દુર્ઘટનામાં કાળનો ભોગ બનેલા પરિવારની વિગત જોઈએ તો, મૂળ અનિડા ભાલોડીના વતની જયેશભાઈ બગડા (ઉ.વ. ૪૦) સેન્ટિંગ કામ તથા છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની સાથે તેમના પત્ની શાંતુબેન જયેશભાઈ બગડા (ઉ.વ. ૩૬) અને તેમનો વ્હાલસોયો પુત્ર વ્રજ જયેશભાઈ બગડા (ઉ.વ. ૧૩), કે જેઓ ઓરો સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા હતા, તેઓ પણ આ હોનારતમાં કાળનો કોળિયો બની ગયા છે. અકસ્માત સર્જનાર નેક્સોન કાર કોઈ મહિલા ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે, અને આ કારમાં સવાર લોકો સાળંગપુર ખાતે દર્શન કરીને ગોંડલના પ્રખ્યાત અક્ષર મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અઘટિત ઘટના ઘટી હતી.
અકસ્માતની ગંભીરતાને જોતા ગોંડલથી 2 અને કોટડા સાંગાણીથી 1 એમ કુલ 3 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતકોના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામના પાર્થિવ દેહને તેમના સ્વગૃહે અનિડા ગામે લઈ જવામાં આવશે. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને કાર ચાલક સામે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના માળામાંથી ત્રણ મોતી અચાનક વિખેરાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.