મોરબીના દિવાળીના એક દિવસ પહેલા જ ખૂની ખેલ ખેલાતા ચકચાર મચી ગઈ છે. ગત મધરાત્રે શહેરના સિપાઈ પાસ નજીક ગઢની રાંગ પાસે નજીવી બાબતે પિતા-પુત્રોએ ખુની ખેલ ખેલી સાળા બનેવીને આંતરી છરી વડે હુમલો કરતા આ ગંભીર બનાવમાં નિર્દોષ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો છે. હત્યાને અંજામ આપનાર આરોપીઓ પણ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તું કેમ મારી પત્ની સામે કાતર મારીને જુએ છે
મળતી માહિતી મુજબ, મોરબીના સિપાઈવાસમાં જમાદાર શેરીમાં રહેતા મોહસીન ફારૂકભાઈ કુરેશી (ઉં.33) નામના યુવાને આરોપી ખાલિક ફિરોઝભાઈ સમા, સકીલ ફિરોઝભાઈ સમા અને ફિરોઝભાઈ ઉસ્માનભાઈ સમા વિરૂદ્ધા ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગઈકાલે તેના મોબાઈલમાં આરોપી ખાલિદનો ફોન આવ્યો હતો કે, તું કેમ મારી પત્ની સામે કાતર મારીને જુએ છે. જેથી ફરિયાદી મોહસીનભાઈએ કહ્યું હતું કે, ત્નીને જોયા પણ નથી તો કાતર મારવાની વાત જ ક્યાં રહી? આમ છતાં આરોપી ખાલિદે વારંવાર ફોન કરી જ્યાં હોય ત્યાંથી સિપાઈવાસમાં આવવાનું કહ્યું હતું.
રાત્રે દોઢેક વાગ્યે ખૂની ખેલ ખેલાયો
બીજી તરફ ફરિયાદી મોહસીનભાઈના સંબંધીના પુત્રને અકસ્માત નડ્યો હોવાથી સિવિસમાં દાખલ કર્યા હોય જ્યાં મૃત્યુ નીપજ્યું હોવાથી સિવિલ હોસ્પિટલ હતા. તેવા સમયે જ ફરી આરોપી ખાલિદનો ફોન આવતા ફરિયાદી મોહસીનભાઈ અને તેમના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી (ઉં. 22) રાત્રે દોઢેક વાગ્યે સિપાઈવાસમાં ચાલીને જતા હતા ત્યારે ગઢની રાંગ પાસે પહોંચતા આરોપી ખાલિદ, શકિલ અને ફિરોઝભાઈએ બંનેને આંતરી છરી લઈને તૂટી પડ્યા હતા.
મકબુલ છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા
આ ખૂની હુમલામાં મકબુલ સાળા મોહસીનને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. આથી તેનુ મોત થયું હતું. જ્યારે મોહસનીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.