આજે દિવાળીનો પાવન તહેવાર છે. ત્યારે ગઈકાલે કાળી ચૌદશની મોડીરાત્રે રાજકોટ રક્તરંજીત બનતા ખળભળાટ મચી ગયો છે. એક નહીં બે નહીં પણ એકસાથે ત્રણ-ત્રણ હત્યાથી રંગીલુ શહેર હચમચી ઉઠ્યું છે.
ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગાભાઈના મોત થયા છે.

ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો
મળતી માહિતી મુજબ, શહેરના આંબેડકરનગરમાં મધરાત્રે વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉં.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉં.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. જેથી બંને ભાઈના મોત થયા હતા. સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

મજૂરી કરી મારા બંને દીકરા ઘરે આવતા હતા ને હત્યા થઈ
મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઈના જણાવ્યા અનુસાર, મારા બન્ને દીકરા મજૂરી કામ કરતા હતા. જેઓ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન 10:30થી 11:00 વાગ્યા આસપાસ તેમનું વાહન અથડાયું હશે. જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થતા સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી છે. જેમાં આજે મારા બન્ને દીકરાના મોત થઇ ગયા છે. અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે તે દૂર કરવામાં આવે એવી અમારી માગ છે. લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લૂખ્ખાગીરી કરતા હોય છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા
બનાવની જાણ થતા DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને સમગ્ર ઘટનામાં બે સગા ભાઈઓના મોત થતા માલવિયા નગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તપાસ તજવીજ હાથ ધરી છે.