BREAKING NEWS

એન્જીન 100 ફૂટ દૂર ફેંકાયું...SUV ડિવાઇડર બાદ થાંભલા સાથે અથડાઇ, કાર પડીકું વળી ગઈ, ત્રણ લોકોના મોત, ટ્રેક્ટરથી ખેંચી મૃતદેહો બહાર કઢાયા

  • February 17, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દાહોદ-અમદાવાદ હાઇવે પર મધરાતે બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત લીમખેડા તાલુકાના ઢઢેલા ગામ નજીક આવેલા ટર્નિંગ પાસે બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મહારાષ્ટ્ર પાસિંગની એક એસયુવી કાર દાહોદ તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને બાદમાં રોડ સાઈડ પર આવેલા વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ટ્રેક્ટરથી ખેંચીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.


ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તહસનહસ થઈ ગયો હતો. અથડામણથી વીજળીના થાંભલાના પણ ટુકડા થઈ ગયા હતા અને કારના ભાગો દૂર દૂર સુધી ફેંકાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારનું એન્જિન આશરે 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું, જે અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.


આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ ચાલકને સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પુણે શહેરના અભિષેક યાદવ અને સચિન બિરાદાર તરીકે થઈ હતી. બંન્નેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.


અકસ્માત મધરાતે થતા આજુબાજુના ગામોના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ કારનું પડીકું વળી ગયું હતું અને અંદર બેઠેલા લોકોને બહાર કાઢવા અત્યંત મુશ્કેલ હતા.


ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ કારની વધુ સ્પીડ અને ટર્નિંગ નજીક બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ હોઈ શકે છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ટેક્નિકલ તપાસ અને સાક્ષીઓના નિવેદનો લઈ રહી છે.

આ અકસ્માતને પગલે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં પોલીસે વાહન વ્યવહાર સુચારુ બનાવ્યો હતો. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર સાવચેતીપૂર્વક અને નિયંત્રિત ઝડપે વાહન ચલાવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application