આજે 22 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે 5 વાગ્યે કેશોદ-બાલાગામ રોડ પર ઘમીદાણા ગામ નજીક એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી લાલ રંગની સ્વિફ્ટ કાર અત્યંત ઝડપે હોવાથી વળાંક પર કાબૂ ગુમાવી બેસી હતી. વળાંક ન કાપી શકતા કાર પલટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં આવેલા પથ્થર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આખી કાર ભડભડ સળગી ઉઠી હતી. વહેલી સવારના સમયે બનેલા આ ગોઝારા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
કારમાં સવાર 4 પૈકી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માત સમયે કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાંથી એક મહિલા સહિત 3 લોકોના કારમાં સળગી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે કારમાં ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી શકી ન હતી. જ્યારે સળગતી કારમાંથી બહાર ફંગોળાયેલી ઈન્ફ્લુએન્સર ક્રિષ્ના ચુડાસમાનો આબાદ બચાવ થયો છે. ગંભીર પરિસ્થિતિમાં બચી ગયેલી આ યુવતીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મૃતકો 25થી 27 વર્ષની વયના, ક્રિષ્ના ખેતરમાં ફંગોળાઈ હતી
આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય યુવાનોની ઉંમર 25થી 27 વર્ષની આસપાસ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. મૃતકોમાં નંદની પોપટ, ડેનિસ દિવરાણીયા અને ઝલક મશરૂનો સમાવેશ થાય છે. સ્થળ નિરીક્ષણ અને સ્થાનિક લોકો પાસેથી મળેલી વિગતો મુજબ, સળગતી કારમાંથી બચી ગયેલી ક્રિષ્ના ચુડાસમા અકસ્માત સમયે આગળની સીટ પર બેઠેલી હતી. અકસ્માત વખતે કારનો કાચ તૂટી જતા તે બહાર ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ખેતરમાં પડી ગઈ હતી, જેના કારણે તે આગની લપેટમાં આવતા બચી ગઈ હતી.
બચેલી ક્રિષ્ના જૂનાગઢની રહેવાસી, ઈન્સ્ટાગ્રામ પર 1.23 લાખ ફોલોઅર્સ
આગમાંથી બચી ગયેલી ક્રિષ્ના ચુડાસમા જૂનાગઢની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ તરીકે જાણીતી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 1.23 લાખ જેટલા ફોલોઅર્સ છે. વહેલી સવારે મિત્રો સાથે પ્રવાસે નીકળેલી ક્રિષ્ના માટે આ સફર જીવનભરનો ન ભૂલી શકાય તેવો કાળો દિવસ બની રહી છે. તેની આંખો સામે જ તેના સાથીઓ સળગી ગયા હોવાની ઘટનાએ તેને હચમચાવી નાખી છે.
ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે, ક્રિષ્ના માનસિક આઘાતમાં
બનાવની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે પોલીસે ઘટનાસ્થળની આસપાસ લોકોના ટોળાને દૂર કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બચી ગયેલી ક્રિષ્નાને 108 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક કેશોદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અકસ્માત અને સાથીઓના મોતના ગંભીર આઘાતને કારણે ક્રિષ્ના માનસિક અસ્થિર બની જતાં તબીબોની ટીમ દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ અને નિવેદન
આ સમગ્ર મામલે પીઆઇ એન. બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર 4 વ્યક્તિઓમાંથી બે મહિલા અને બે પુરુષ હતા. જેમાંથી બે પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી ક્રિષ્ના પાસેથી પોલીસે પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મૃતકો પૈકી ડેનિસનું નામ સામે આવ્યું હતું. હાલ મૃતદેહોની સત્તાવાર ઓળખ કરવા સહિત અકસ્માતના ચોક્કસ કારણો અને સંપૂર્ણ વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.