વેરાવળ તાલુકામાં આજે સવારે રબારી સમાજના મંદિરે પુંજ ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યારે વરસાદ પણ ચાલુ હોય પુંજ ઉત્સવમાં ઉમટી પડેલા ભાવિકો વરસાદથી બચવા કોઈને કોઈ જગ્યાએ આશ્રય લઈ રહ્યા હતા. આ દરમિયાન વીજ કરંટ લાગતા ત્રણ ભક્તોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવથી રબારી સમાજના આગેવાનોમાં અફરાતફરી મચી ગઈ હતી.
મૃતકોનાં નામ
ભરત નારણભાઇ ગલચર (ઉં.વ. 18, તાલાલા)
હર્ષલ ભરતભાઇ ચૌહાણ (ઉં.વ. 13, રોણાજ)
કરશન ગોવિંદ મારુ (ઉં.વ. 45, વડોદરા ઝાલા)
આ રીતે ત્રણેયને વીજ કરંટ લાગ્યો
મળતી માહિતી મુજબ વેરાવળ તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમાં મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે કરૂણાંતિકા સર્જાઈ હતી. નવરાત્રિની આઠમ અને નોમના પાવન પ્રસંગે યોજાયેલા પુંજ ઉત્સવમાં આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાતા ઉત્સવની રોનક ગમગીન બની ગઈ હતી. સવારે સાડા ચાર વાગ્યે વરસાદ વરસી રહ્યો હતો. એ સમયે ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઉભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. અચાનક શોર્ટ સર્કિટ થતાં ત્રણેયને વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ ત્રણેયના મોત થયા હતા.
દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની
ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગામમાં મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ બે દિવસીય પુંજ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ પૂર્ણાહુતિના દિવસે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ છે.