BREAKING NEWS

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં ત્રણ લોકોના મોત; હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા, જાણો શું છે આ લોકોની માગણીઓ

  • November 01, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અશાંત મણિપુરમાં હિંસા અને તણાવ ઓછવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના નોની જિલ્લામાં સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી ભીષણ ગોળીબારની ઘટનામાં ૩ લોકોના મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, આ સતત હિંસા અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા નાગરિકોએ રાજધાની ઇમ્ફાલમાં શનિવારે એક વિશાળ રેલી યોજીને સરકારને 'ફાઇનલ વોર્નિંગ' આપી છે.


નોની જિલ્લામાં સશસ્ત્ર અથડામણમાં ત્રણ લોકોનાં મોત

મળતી માહિતી મુજબ, નોની જિલ્લાના નુંગબા પોલીસ સ્ટેશન અંતર્ગત કેકરુ નાગા ગામમાં અજ્ઞાત સશસ્ત્ર બદમાશો અને જૂથો વચ્ચે અચાનક ભારે ગોળીબાર શરૂ થયો હતો. આ હિંસક અથડામણમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારા તમામ લોકો પાસેથી હથિયારો અને ગોળાબારૂદ પણ મળી આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.


કુકી ઇનપી મણિપુરનો ગંભીર આક્ષેપ

કુકી આદિવાસી સંગઠન 'કુકી ઇનપી મણિપુર' (KIM) એ આ મામલે આરોપ લગાવ્યો છે કે આ હત્યાઓ પાછળ એનએસસીએન-આઈએમ (NSCN-IM) અને ઝેલીયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટના સશસ્ત્ર કેડરોનો હાથ છે. સંગઠને તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે પૂરતી સુરક્ષાના અભાવે ગ્રામીણોએ પોતાના રક્ષણ માટે જાતે આગળ આવવું પડે છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.


ઇમ્ફાલમાં હજારો લોકોનું ઘોડાપૂર અને સરકાર સામે 'ફાઇનલ વોર્નિંગ'

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતાં અને હિંસા ન અટકતાં શનિવારે ઇમ્ફાલની સડકો પર હજારો લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 'કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટી' (COCOMI) અને અનેક નાગરિક સમાજ સંગઠનોના નેતૃત્વ હેઠળ આ મહારેલી યોજાઈ હતી. આ પ્રદર્શનમાં ખીણ અને પહાડી વિસ્તારોના લોકો તેમજ નાગા સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે વર્તમાન સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, તેથી કાં તો સરકારે કડક પગલાં લઈને સંપૂર્ણ શાંતિ બહાલ કરવી જોઈએ અથવા તો સત્તા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

મુખ્ય માંગણીઓ

આ વિશાળ વિરોધ રેલી બાદ એક ૬ સૂત્રીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં તાત્કાલિક અને કાયમી શાંતિની સ્થાપના કરવી, વિસ્થાપિત થયેલા હજારો લોકોની સુરક્ષિત ઘરવાપસી સુનિશ્ચિત કરવી, કુકી-જો ઉગ્રવાદી સંગઠનો સાથેના 'સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ' (SoO) સમજૂતીને રદ્દ કરીને કડક ઓપરેશન શરૂ કરવું અને એનઆરસી (NRC) ને ૧૯૫૧ ને આધાર વર્ષ (Base Year) માનીને લાગુ કરવું જેવી મુખ્ય માંગણીઓ સામેલ છે.


જ્યારે પ્રદર્શનકારીઓએ ટિડિમ ગ્રાઉન્ડથી થાઉ મેદાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષાદળોએ કાસમપત જંક્શન અને અન્ય મહત્વના સ્થળો પર બેરિકેડ્સ લગાવીને તેમને અટકાવ્યા હતા. હાલ મણિપુરમાં આ વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application