રાજકોટના પારડી ગામે માવતરના ઘરે રિસામણે આવેલી ચોટીલાની પરિણીતાનો ત્રણ વર્ષનો બાળક ઘર સામેના ખુલ્લા પ્લોટમાં રમતી વખતે ભો ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
માતાએ પુત્ર જોવા ન મળતા શોધખોળ હાથ ધરી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના ભેટસુડા ગામે રહેતી શિલ્પાબેન પ્રભાતભાઈ પરમાર નામની પરિણીતા રાજકોટના શાપર પાસેના પારડી ગામે રહેતા પિતા કેશુભાઈ રામજીભાઈ ચાવડાના ઘરે ત્રણ વર્ષના પુત્ર આયુષને સાથે લઇ રિસામણે આવી હોય દરમિયાન ગઈકાલે પુત્ર આયુષ ઘર સામેના ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ખુલ્લા ભો ટાંકામાં પડી ગયો હતો. દશેક મિનિટ જેવો સમય થયા બાદ માતા શિલ્પાબેન પુત્રને બોલાવવા બહાર આવતા પુત્ર જોવા ન મળતા આમ તેમ શોધખોળ હાથ ધરી હતી.
ટાંકામાં પુત્રને જોતા માતાએ બૂમાબૂમ કરી
દરમિયાન ખુલ્લા ટાંકામાં જોતા પુત્ર ગરક થયેલો જોવા મળતા બુમાબુમ કરત પરિવારના સભ્યો સહિતના આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને બહાર કાઢી પ્રથમ લોધીકા ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરીહ હતી. મૃતક બાળકનુ પિતા પ્રભાતભાઈ ખેતી કામ કરે છે. દંપતી વચ્ચે રકઝક થતા માતા શિલ્પાબેન પુત્રને લઇ પારડીમાં રહેતા માવતરના ઘરે આવી ગયા હતા આઠેક મહિનાથી રહેતા હતા. એકના એક માસુમ પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.