BREAKING NEWS

સુરતમાં કાળજું કંપાવતી ઘટના...માત્ર 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, માતાએ રંગેહાથ નરાધમને ઝડપ્યો, લોકોએ મેથીપાક ચખાડ્યો

  • April 24, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ફરી એકવાર માસૂમ બાળકીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીય હેવાને તમામ હદો વટાવી માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ નરાધમ કંઈ વધુ કરે તે પહેલાં બાળકીની માતા ત્યાં પહોંચી જતાં મોટી દુર્ઘટના અટકી હતી અને નરાધમ ઝડપાઈ ગયો હતો.


ઘટનાની વિગતો મુજબ, સારોલી વિસ્તારમાં નેચરવેલી હોમ્સની પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર રહે છે. ગત રોજ બપોરના સમયે જ્યારે માતા-પિતા નીચેના ખાતામાં કામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમની ત્રણ વર્ષની બાળકી ઉપરના રૂમમાં એકલી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતા અને મૂળ બિહારના વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદીન નામના યુવકની દાનત બગડી હતી.


બાળકી જ્યારે બાથરૂમ ગઈ ત્યારે આ નરાધમ છાનાપગલે અગાસી વાટે બાથરૂમમાં ઘૂસી ગયો હતો. તેણે માસૂમ બાળકીના કપડાં કાઢી તેના ગુપ્ત ભાગો સાથે ગંભીર અડપલાં શરૂ કર્યા હતા અને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. માસૂમ બાળકી હજી કંઈ સમજે કે વિરોધ કરે તે પહેલાં જ હેવાને માનવતાની હદ વટાવી દીધી હતી.


સદનસીબે, બાળકીની માતા સમયસર ઉપર પહોંચી ગઈ હતી. બાથરૂમમાં પોતાની વ્હાલસોયી દીકરી સાથે આ હવસખોરને જોઈ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ હિંમત હાર્યા વગર જોરજોરથી બૂમાબૂમ શરૂ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ આ નરાધમને ભાગવાની તક આપી નહોતી અને તેને રંગેહાથ ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ આ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.


સારોલી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત સ્થળ પર પહોંચી આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની દુષ્કર્મની કલમો અને અત્યંત કડક ગણાતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. બાળકીને તબીબી તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


સુરતમાં અગાઉ પણ પરપ્રાંતીય કામદારો દ્વારા માસૂમ બાળકીઓને નિશાન બનાવવાની ઘટનાઓ બની છે. આ ઘટનાને પગલે સ્થાનિક શ્રમિકો અને પરિવારોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે આવા હેવાનોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે જેથી અન્ય કોઈ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. હાલ સારોલી પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application