રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં પોલીસના રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોડીરાત્રિના શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકરનગરમાં કારે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા સામાન્ય અકસ્માતમાં વાહન સરખું ચલાવવા બાબતે ઠપકો આપતા મોડીરાત્રિના ઘાતકી હથિયારો સાથે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણામાં ઘટનાસ્થળે એક જ પરિવારના બે સગાભાઈ તેમજ સામા પક્ષે એક વ્યક્તિ સહિત ત્રિપલ હત્યાના બનાવે સનસનાટી મચાવી દીધી છે.
વાહન જોઈને ચલાવવા માટે ઠપકો આપ્યો
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકરનગરમાં ગત મોડીરાત્રિના સુરેશભાઈ વશરામભાઈ પરમાર (ઉંમર વર્ષ ૪૦) વાળો યુવક પોતાના ઘર પાસે હતો તે વેળાએ કારમાં નીકળેલા શખ્સોએ બાઈકને અડફેટે લેતા સામાન્ય અકસ્માત સર્જાતા સુરેશે કારચાલકને વાહન જોઈને ચલાવવા માટે ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થયા બાદ કારમાં આવેલા શખ્સો નીકળી ગયા હતા.

બંને પક્ષે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું
ત્યારબાદ રાત્રિના બે વાગ્યા આસપાસ ફરી ધોકા, છરી, પાઇપ જેવા ઘાતકી હથિયારો સાથે આવેલા પાંચથી સાત વ્યક્તિઓએ સુરેશભાઈ પરમાર તેના ભાઈ વિજય પરમાર, ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન તેમજ પુત્ર સુધીર અને માતાપિતા સાથે ગાળાગાળી કરી ઘાતકી હથિયારો સાથે ખૂની હુમલો કરતા બંને પક્ષે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું.

આખા પરિવાર પર હુમલો થયો
આ ધીંગાણામાં સુરેશ પરમાર (ઉંમર વર્ષ 45) અને તેના ભાઈ વિજય પરમાર (ઉંમર વર્ષ 40)નું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ પહોંચતા બંને ભાઈઓની લોથ ઢળી પડી હતી, જ્યારે સુરેશભાઈના પત્ની ભારતીબેન, ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન, વિજયનો પુત્ર સુધીર તેમજ સુરેશના પિતા વશરામભાઈ અને માતા દેવુબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સામા પક્ષે અરૂણ રાઠોડની લોથ ઢળી
જ્યારે સામા પક્ષે અરુણ વિનુભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 22) અને તેના મોટાભાઈ રમણ વિનુભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 25) વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા વળતા પ્રહારમાં અરુણ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હુમલામાં ઘવાયેલ તેના ભાઈ રમણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રિના આંબેડકર નગરમાં થયેલા સશસ્ત્ર ધીંગાણામાં ત્રીપલ હત્યાના બનાવની જાણ થતા માલવિયાનગર પીઆઇ દેસાઈ પીએસઆઇ એમ જે ધાધલ, ડી સ્ટાફ, એલસીબી ઝોન 2, ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ ગોંડલીયા,પીઆઇ, ડામોર, પીઆઇ જાદવ સહિતની ટીમો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી.
એક જ પરિવારના બે સગા ભાઈઓની હત્યા
પોલીસે ત્રિપલ હત્યાના બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરતા સશસ્ત્ર મારામારીની ઘટના સામાન્ય વાહન અકસ્માતના કારણે જ થઈ હોવાનું તેમજ એક જ પરિવારના બે સગા ભાઈઓની હત્યા થઈ હતી તેમજ પરિવારના છ સભ્યો ઘવાયા હતા. જ્યારે સામા પક્ષે અરુણ વિનુભાઈ રાઠોડ ઉમર વર્ષ 22ની હત્યા થઈ હતી અને તેના મોટાભાઈ રમણ રાઠોડ ઉંમર વર્ષ 25ને ઇજાઓ પહોંચી હતી જે ઈજાગ્રસ્તો હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી પોલીસે હોસ્પિટલમાં તેના ઉપર જાપ્તો ગોઠવી દીધો છે તેમજ માલવીયાનગર પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

બે સગાભાઈની હત્યા, માતાપિતા સહિત છ ઘવાયા
આંબેડકર નગરમાં ગતરાત્રિના ઘર નજીક સુરેશ પરમાર નામના યુવકના બાઈકને ઠોકરે ચડાવ્યા બાદ મોડીરાત્રિના ફરી બંને પક્ષે સશસ્ત્ર મારા મારીમાં સુરેશ અને તેના ભાઈ વિજયની હત્યા થઈ હતી જ્યારે માતા-પિતા ભાઈ તેમજ ભાઈના પુત્ર અને પત્ની સહિત છ ઘવાયા હતા મૃતક સુરેશને સંતાનમાં એક દીકરો ત્રણ દીકરી હોવાનું અને પોતે સ્કાયટેક એન્જિનિયરિંગમાં મજૂરી કામ કરતા હતા. જ્યારે વિજયને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.