૧૮ વર્ષથી નાની વયના અને શાળાની નજીકના ૧૦૦ મીટરના વિસ્તારમાં તમાકુનું વેચાણ કરવા સંદર્ભે ૨૩ વિક્રેતાઓ સામે કેસ કરાયાઃ રોકડ દંડની કાર્યવાહી
જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ ધારા અન્વયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ૧૮ વર્ષથી નીચેની વયના તેમજ શાળાના ૧૦૦ મીટર ની ત્રિજ્યા માં તમાકુનું વેચાણ કરનારા ૨૩ વિક્રેતાઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૪,૬૦૦ નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.
જામનગર તમાકું નિયંત્રણ સેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર.એમ.પ્રસાદ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.જે.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના મોનીટરીંગ માં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનોમાં કોટપા-૨૦૦૩ સંદર્ભે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબના ૯ કેસ કરાયા હતા. આ ઉપરાંત કલમ-૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૧૪ મળી કુલ ૨૩ કેસ કરાયા હતા, જેમાં રૂપિયા ૪૬૦૦ દંડ વસુલ કરાયો હતો.
આ કામગીરીમાં તાલુકા સુપરવાઇઝર એન આર પરમાર, જિલ્લા સાઈકોલોજિસ્ટ નઝમાબેન હાલા, સોશ્યલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ લાલપુર પોલીસ સ્ટેશનમાંથી પો.કો. વિજયભાઈ કરંગીયા હાજર રહ્યા હતા.