જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હાએ સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યના વધુ 14 પ્રવાસન સ્થળોને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ સાવચેતીના ભાગરૂપે આ સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા. તે હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
સુરક્ષાની સમીક્ષા બાદ લેવાયો નિર્ણય
ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે જાણકારી આપવામાં આવી હતી. મનોજ સિન્હાએ જણાવ્યું કે, સુરક્ષાની ઊંડી સમીક્ષા અને વિવિધ સ્તરે વિચાર-વિમર્શ કર્યા બાદ આ સ્થળોને ફરીથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ હુમલા બાદ કામચલાઉ ધોરણે બંધ કરાયેલા સ્થળોમાંથી અત્યાર સુધીમાં કુલ 26 સ્થળો ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. અગાઉ 26 સપ્ટેમ્બરના રોજ પણ 12 સ્થળોને ખોલવાની મંજૂરી અપાઈ હતી.

કાશ્મીર વિભાગના આ 11 સ્થળો ખુલશે
LG ના આદેશ અનુસાર કાશ્મીર ખીણના નીચે મુજબના સ્થળો તાત્કાલિક અસરથી ખુલશે:
- કોકરનાગમાં યુસમર્ગ, દૂધપથરી અને દાંડીપુરા પાર્ક.
- શોપિયાં જિલ્લામાં પીર કી ગલી, દુબજાન અને પદપાવન.
- શ્રીનગરમાં અસ્તનપોરા અને સુપ્રસિદ્ધ ટ્યૂલિપ ગાર્ડન.
- ગાંદરબલમાં થજવાસ ગ્લેશિયર અને હંગ પાર્ક.
- બારામુલામાં વુલર લેક અને વાટલાબ.
જમ્મુ વિભાગના આ 3 સ્થળોને લીલી ઝંડી
જમ્મુ વિભાગના પ્રવાસન સ્થળોમાં રિયાસીમાં આવેલું દેવી પિંડી, રામબનનું મહુ મંગત અને કિશ્તવાડનું મુગલ મેદાન પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે. આ સ્થળો ખુલવાથી સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન સાથે જોડાયેલા લોકોમાં ખુશીનો માહોલ છે.
બરફ હટ્યા બાદ અન્ય સ્થળો ખુલશે
કેટલાક સ્થળો જે હાલમાં ભારે હિમવર્ષાને કારણે બંધ છે, તેને બરફ હટ્યા બાદ તુરંત ખોલવામાં આવશે. જેમાં કાશ્મીર વિભાગના ગુરેઝ, અથવાટૂ અને બંગસ તેમજ જમ્મુ વિભાગના રામબનમાં આવેલા રામકુંડનો સમાવેશ થાય છે. આ પ્રવાસન સ્થળો ખુલવાથી કાશ્મીરની અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ ફરીથી આ સુંદર સ્થળોની મુલાકાત લઈ શકશે.