ગઇકાલે રેકડી-પથારા અને અન્ય માલસામાન ઉપાડવાના પ્રશ્ર્ને જુમ્મા મસ્જીદ આસપાસની ૩૫૦ દુકાનદારોએ વિરોધ વ્યકત કર્યો
જામનગર મહાનગરપાલિકા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં રેકડી પથારા સહિતના માલસામાન ઉપાડવા માટેની ઝૂંબેશ ચાલી રહી છે, જે દરમિયાન આજે સ્થાનિક વેપારીઓ દ્વારા તંત્રની એક તરફથી કાર્યવાહી અને વ્હાલા-દવલાની નીતિનો વિરોધ દર્શાવીને સજ્જડ બંધ પાડ્યો હતો અને બપોર પછી સિંધી માર્કેટ, બર્ધન ચોક, જુમ્મા મસ્જીદ, મોચી બજાર સહિતના વિસ્તારના તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ પ્રગટ કર્યો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર જે વેપારીઓ દ્વારા ગેરકાયદે રેકડી પથારા વાળાઓ અંગેની ફરિયાદ કરે છે, તેવા વેપારીઓનો માલ સામાન ઉપાડી લેવામાં આવે છે અને જાહેર માર્ગ પર રેકડી પથારા કે પૂતળા વગેરે રાખીને દબાણ કરે છે, તેઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વ્હાલા દવલાની નીતિ અપનાવાય છે, તેમ દર્શાવી આજે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવાયો છે.
છેલ્લા કેટલાક સમયથી જામનગર મહાપાલીકા દ્વારા બર્ધનચોક વિસ્તારમાં દબાણ હટાવવા ઝુંબેશ કરવામાં આવે છે, નો-હોડીંગ ઝોનના પાટીયા તથા મહીલાઓ માટે ટોયલેટ બનાવવા અને આડેધડ વાહનોની જપ્તી સામે આ વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, કોર્પોરેશનની ટીમ જયારે નિકળે છે ત્યારે તેની આગોતરી જાણ ફેરીયા અને રેકડીવાળાઓને થઇ જાય છે, આ કોણ કરે છે ? આ અંગે તપાસ કરવી જોઇએ, છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સ્થિતિ ખરાબ થઇ રહી છે, અવારનવાર બર્ધનચોકમાં દબાણ હટાવવા ઝુંબેશ કરવામાં આવે છે, કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે, પરંતુ પથારાઓ એમને એમ છે, લાંબા સમયથી વેપારીઓ ત્રસ્ત થઇ ગયા છે, તેવામાં ગલીઓમાં જઇને વેપારીઓના વાહનો અને ગ્રાહકોના વાહનો એસ્ટેટ શાખા દ્વારા જપ્ત કરવામાં આવે છે. ગઇકાલે પડાયેલા બંધમાં દરબારગઢથી બર્ધનચોક, જુમ્મા મસ્જીદ, સિંધી માર્કેટ અને મોચી બજારના વેપારીઓ જોડાયા હતાં.
વેપારીઓ દ્વારા અગાઉ પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, એટલું જ નહીં રાજયના મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, પરંતુ દબાણ હટાવ ઝુંબેશ થાય છે એટલે તરત જ રેકડી-પથારાવાળાઓ ગોઠવાઇ જાય છે. અવારનવાર વેપારીઓ અને ગ્રાહકોના ટુ-વ્હીલર ઉઠાવી જાય છે, ગઇકાલે ૩૫૦ જેટલા વેપારીઓએ બંધ પાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો.