ગુજરાત પોલીસ દ્વારા ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬થી રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અમલ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમમાં કરવામાં આવેલા સુધારાઓને અનુરૂપ છે. આ સુધારેલી વ્યવથામાં ટ્રાફિક ચલણ જારી કરવા, તેની ચુકવણી કરવા તથા ચલણ સામે વાંધો રજુ કરવા માટે સ્પષ્ટ અને સમયબધ્ધ પ્રકીયા નક્કી કરવામાં આવી છે.
સુધારેલા નિયમ ૧૬૭ મુજબ ઇલેક્ટ્રોનિક ચલણ ઓનલાઈન ૩ દિવસની અંદર તથા રૂબરૂ ૧૫ દિવસની અંદર પહોંચાડવામાં આવી શકે છે. જે ચલણ જારી થયાની તારીખથી ૪૫ દિવસની અંદર નાગરિકે ચલણની રકમ ચૂકવવાની રહેશે અથવા દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલ પર ચલણને પડકારવાનું રહેશે.
વાહન માલિકે પોતાના દાવાને સમર્થન આપતા દસ્તાવેજી પુરાવા (જેમ કે વાહનચાલકે તે સમયે ઉલ્લંઘન ન કર્યું હોવાના ઉપલબ્ધ પુરાવા, સ્થાનિક જાહેરનામું, પરવાનગી, પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેની સૂચના વગેરે) રજૂ કરવા પડશે. માત્ર વાંધો રજૂ કરવો પૂરતો રહેશે નહીં.
જો ૪૫ દિવસની અંદર ચલણને પડકારવામાં નહીં આવે, તો તે સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ ચૂકવણી માટે વધુ ૩૦ દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ સત્તાધિકારી દ્વારા પડકાર નામંજૂર કરવામાં આવે, તો આદેશ પ્રાપ્ત થયાના કે પોર્ટલ પર અપલોડ થયાના ૩૦ દિવસની અંદર ચલણની ચૂકવણી કરવાની રહેશે અથવા ૫૦ ટકા રકમ જમા કરાવ્યા બાદ અદાલતનો સંપર્ક કરી શકાશે.
ચલણની અવગણના કરશો તો વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ હેઠળ મુકાશે
વારંવારના ઉલ્લંઘન પર નજર રહેશે, જેમાં સુધારેલા નિયમ મુજબ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી શરૂ થતા એક વર્ષમાં ૫ કે તેથી વધુ ઉલ્લંઘનોને ધ્યાનમાં લેવામાં આવશે. જો નિર્ધારિત સમયગાળામાં ચલણ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, તો બાકી ચલણના નિકાલ સુધી સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મોટર વાહનના રજીસ્ટ્રેશન સંબંધિત અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ સ્ટેટ્સ મુજબ વાહનને ચિહ્નનહીત કરાશે. બાકી ચલણની ચુકવણી સુધી આ સ્થિતિ રહેશે. કોર્ટના આદેશોને આધીન પોલીસ દ્વારા વાહનને અટકાવી (ડીટેઇન કરી) શકે છે.