જિલ્લા પંચાયતની દિવાલ પાસે તોતીંગ વૃક્ષ એકાએક ધરાશાયી થતા પોલીસની પીસીઆર વાન સહિત પાંચ વાહનમાં નુકશાન: ઇજાગ્રસ્ત વોર્ડનને સારવાર માટે ખસેડાયો: ઘટના બાદ ભારે ટ્રાફિકજામ
આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
શહેરમાં પોલીસ કમિશનર કચેરી સામે જિલ્લા પંચાયતની દિવાલ પાસે તોતીંગ વૃક્ષ ધરાશાયી થતા અહીં ઉભેલા પોલીસમેન અને ટ્રાફિક વોર્ડન યુવાનને ઇજા પહોંચી હતી.વૃક્ષ નીચે પોલીસની પીસીઆર વાન સહિત પાંચેક વાહન દટાય જતા તેમાં નુકશાન થયું હતું. આ દુર્ઘટનામાં ઘવાયેલા વોર્ડનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વૃક્ષ ધરાશાયી થયા બાદ અહીં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ફાયર શાખાના સ્ટાફે અહીંથી વૃક્ષ દુર કરવા અને પોલીસે ટ્રાફિક કલિયર કરવવા કામગીરી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના 12:30 વાગ્યા આસપાસ ટ્રાફિકથી ધમધમતા એવા પોલીસ કમિશનર કચેરીની સામેના રોડ પર જિલ્લા પંચાયતની દિવાલ પાસે એકાએક એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષ ધરાશાયી થયા બાદ અહીં ઊભેલા ટ્રાફિક વોર્ડન પ્રવીણ અશોકભાઈ ચાવડા (ઉ.વ 20 રહે. માંડાડુંગર, આજીડેમ ચોકડી પાસે) અને પોલીસમેન નરપતસિંહ જાડેજાને ઈજા પહોંચી હતી. વૃક્ષ હેઠળ પોલીસની પીસીઆર વાન સહિત પાંચેક વાહનો દટાઈ જતા તેમાં નુકસાન થયું હતું.
ઈજાગ્રસ્ત વોર્ડનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા એવા રોડ પર વૃક્ષ ધરાશાયી થતા થોડીવારમાં જ અહીં ભારે ટ્રાફિક સર્જાયો હતો. બનાવની જાણ થતા કોર્પોરેશનની ફાયર શાખાનો સ્ટાફ તાકીદે અહીં આવી પહોંચ્યો હતો અને વૃક્ષ અહીં રોડ પરથી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા અહીં ટ્રાફિક કલીયર કરાવવા માટે કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech