અમરેલીના સાવરકુંડલા રોડ પર ગોરખવાળા નજીકથી કતલખાને લઈ જવાતો 268 જેટલા ઘેટા બકરા ભરેલા ટ્રક સાથે છ શખસોને અમરેલી તાલુકા પોલીસે ઝડપી પાડી પશુધન અને ટ્રક મળી 36.40 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. શખ્સોની પુછપરછમાં ઘેટા-બકરાને અમદાવાદની લે વેચની બજારમાં લઈ જવાતા હોવાની કબૂલાત આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી રૂરલ પોલીસ મથકના પો.કોન્સ.હાજુભાઈ ભાદરકા, અક્ષયરાજસિંહ ગોહિલ, લોકરક્ષક મનદીપસિંહ ચુડાસમા સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાવરકુંડલા તરફથી એક ટ્રકમાં ઘેટાં બકરા ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ ટ્રક ગોરખવાડા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-14-એટી-1300 નંબરનો ટ્રક પસાર થતા તેને રોકી ડ્રાઈવર કેબિનમાં બેઠેલા છ શખ્સોને ઉતારી પુછપરછ કરતા ડ્રાઈવરએ પોતાનું નામ સાહિલ સુલેમાનભાઈ કાલવા (રહે-ચીતલ, કાલવા ચોક), જુબેર હસમભાઈ બાવન, સોહીલ ઇસુબભાઇ બાવનકા, શાહનવાજ રજાકભાઇ બાવનકા, જુનેદ ફારૂકભાઇ બાવનકા (રહે.તમામ સાવરકુંડલા, જુના બસ સ્ટેશન પાસે, ખાટકીવાડ, તા.સાવરકુંડલા), રફીક જમાલભાઇ તરકવાડીયા (રહે.શીહોર, ધનખેડી રોડ) હોવાનું જણાવતા. પોલીસે ટ્રકની પાછળ ચેકિંગ કરતા અંદર ખીચોખીચ ભરેલા ઘેટાં બકરા કોઈ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર હોવાનું જોવા મળતા શખસો પાસેથી પશુઓની હેરફેર સહિતના કાગળો અને પરમીટ માગતા ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા. આથી પોલીસે પશુધન અને ટ્રક મળી કુલ રૂ.36,40,000નો મુદામાલ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરતા ઘેટાં બકરા અમદાવાદની બજારમાં વેચવા માટે લઈ જતા હોવાની કબૂલાત આપતા પોલીસે છએ શખ્સો સામે પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમ-૧૯૬૦ ની કલમ 11(1)(એ)(ડી) (ઈ)(એચ)(કે) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.