BREAKING NEWS

મારું વાહન એક ફૂટ પણ નહીં ચાલે... શિવરાજપુરમાં ટ્રકચાલકે મહિલાને લોખંડની ટોમી ફટકારી, કારમાં તોડફોડ કરી

  • October 29, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણના શિવરાજપુર પાસે સાંકડા રસ્તા પર આઇસરચાલકે સામેથી આવી રહેલી આઇ-20 કારમાં સવાર મહિલા તેના પતિ, ભાઈ સહિતનાઓને ગાળો ભાંડી મારું વાહન એક ફૂટ પણ નહીં ચાલે કહી લોખંડની ટોમી વડે કારમાં તોડફોડ કરી હતી. આ શખસે આટલેથી ન અટકતા મહિલાને પણ લોખંડની ટોમીના ઘા ફટકાર્યા હતાં.  હુમલામાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે મહિલાની ફરિયાદ પરથી જસદણ પોલીસે શિવરાજપુરમાં રહેતા આ શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સુરતમાં વાલક ગામે રોયલ ટાઉનશિપમાં રહેતા પંસીલાબેન ભાવેશભાઈ ગજેરા (ઉં.વ 35)નામના મહિલાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજપુરના જયેશભાઈ ચોથાભાઈ મકવાણાનું નામ આપ્યું છે.


મહિલા પરિવાર સાથે દિવાળીના તહેવારોમાં પિતાના ઘરે આવ્યા હતા

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં શિવરાજપુરમાં રહેતા ભાઈ અને પિતાના ઘરે દિવાળીના તહેવારોમાં આવ્યા હતાં. દરમિયાન ગઈકાલ સવારે તે તથા તેમનો ભાઈ ભાવેશ શિવરાજપુરથી ચાલીને જ ગઢડીયા ગામે આકાશી મેલડી માતાના મંદિરે તાવા પ્રસાદ હોય ત્યાં ગયા હતા. તેમજ તેમના પતિ ભાવેશભાઈ તથા અન્ય ભાઈ રાજેશ આઇ-20 કાર લઈને અહીં ગઢડિયા મંદિરે આવ્યા હતા. બાદમાં દર્શન કરી બપોરના 2:00 વાગ્યા આસપાસ પરિવારના સભ્યો આઇ- 20 કાર નંબર જીજે 3 એલ.આર 5215માં ઘરે જવા માટે નીકળ્યા હતા.


કારનો કાચ ફોડી ઘોબા પાડી દીધા

શિવરાજપુર ગામે ખોડિયારનગર પાસે પહોંચતા સામેથી એક આઇસર નંબર જીજે 13 એટી 4481નો ચાલક રસ્તાની વચ્ચોવચ્ચ વાહન ચલાવી આવતો હોય જેથી પંશીલાબેને તેમને કહ્યું હતું કે, તમારું વાહન નીકળે એમ હોય તો આગળ જવા દો. જેથી આ આઇસરચાલકે ગાડીનો દરવાજો ખોલી કહ્યું હતું કે, મારું વાહન એક ફૂટ પણ નહીં હાલે તેમ કહી ગાળો આપી આઇસરનો દરવાજો કાર સાથે ભટકાવવા લાગ્યો હતો. ત્યારબાદ ગાડીમાંથી ઉતરી ફરિયાદીની કાર પર ચડી જાય ફરિયાદી તથા તેમના ભાઈ સહિતનાઓને ગાળો ભાંડી હતી. આઇસરમાંથી લોખંડની ટોમી લઈ આવી કારનો કાચ ફોડી નાખ્યો હતો અને કારમાં ઘોબા પાડી દીધા હતા. 


મહિલાને પડખાના ભાગે ટોમીનો ઘા ઝીંકી દીધો

આ શખસે આટલેથી ન અટકતા મહિલાને પડખાના ભાગે ટોમીનો ઘા ઝીંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન અહીં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. તેમજ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં તેમણે શિવરાજપુરના જયેશ મકવાણા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application