BREAKING NEWS

રાજકોટમાં આગની 2 ઘટનાઓ: સોખડા નજીક 2 કારખાનામાં ભીષણ આગથી ધુમાડાના ગોટેગોટા, ગોકુલનગરમાં આગ પર કાબૂ મેળવાયો

  • November 08, 2026 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આજે આગ લાગવાની 2 જુદી જુદી ઘટનાઓ સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં સોખડા નજીક આવેલા 2 કારખાનાઓમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ, શહેરના મવડી વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં કાસ્ટિંગની ભઠ્ઠીમાં લાગેલી આગ પર ફાયર ટીમોએ ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવી લીધો હતો.


50 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

રાજકોટ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરના જણાવ્યા અનુસાર, અમદાવાદ હાઇવે પર સોખડા નજીક આવેલા જે. એચ. વુડન તથા દેવ પ્લાસ્ટિક નામના 2 કારખાનામાં આગ લાગવાનો કોલ સાંજે 5:30 વાગ્યા આસપાસ મળ્યો હતો. ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને નજીકની ઝૂપડપટ્ટીમાં રહેતા 50 થી વધુ મજૂરોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર ફાઇટરો અને 15 થી વધુ જવાનો સતત કામગીરી કરી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

કેમિકલ અને લાકડાના કારણે આગ વિકરાળ બની
​​​​​​​અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કારખાનામાં ભગવાનની છબીઓ બનાવવાનું કામ ચાલે છે. હજારો છબીઓ, લાકડાં અને કેમિકલનો જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને તેના પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા 3 તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. શેડ ઊંચો અને પતરાથી કવર્ડ હોવાથી બાજુના કારખાનામાંથી પતરાં તોડીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application